માઈક પોમ્પિયો નવી દિલ્હી પહોંચ્યા: ભારત-અમેરિકા 2+2 મિટીંગ પર ચીનની નજર
નવી દિલ્હી, ચીનની સાથે સરહદ પર જારી તણાવની સ્થિતિ અને અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે ભારત અને યુએસ વચ્ચે મહત્વની બેઠક થવા જઈ રહી છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, રક્ષા મંત્રી માર્ક એસ્પર સોમવારે નવી દિલ્હી પહોંચ્યા. અહીં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે 2+2 બેઠકમાં ભાગ લેશે.
ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મીટિંગ મંગળવારે શરૂ થશે પરંતુ અગાઉ સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પરની સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થશે. જે બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર, માઈક પોમ્પિયોની સાથે સાંજે સાત વાગે બેઠક કરશે. આ બેઠકો બાદ સાંજે ડિનરનું આયોજન કરવામાં આવશે.
બંને દેશો વચ્ચે થનારી આ બેઠક પર ચીનની નજર છે. ચીની મીડિયાએ તાજેતરમાં જ નિવેદન આપ્યુ છે કે જેવા સંબંધ અમેરિકા-ફ્રાન્સના છે, તેવા અમેરિકા-ભારતના થઈ શકશે નહીં. ચીનના ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ કે અમેરિકી મંત્રી એક સાથે કેટલાક દેશોનો પ્રવાસ કરી રહ્યા છે. જે સાબિત કરે છે કે અમેરિકા ભારતને અન્ય દેશ જેવો જ સમજે છે એવામાં આ બેઠકથી કોઈ ખાસ અસર થશે નહીં.
મંગળવારે અમેરિકી વિદેશ અને રક્ષા મંત્રી નવી દિલ્હીમાં વૉર મેમોરિયલનો પ્રવાસ કરશે અને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ હૈદરાબાદ હાઉસમાં 2+2 મીટિંગ શરૂ થશે. 2+2 મીટિંગ કોઈ પણ બે દેશોની વચ્ચે વિદેશ અને રક્ષા મંત્રાલય જેવા મહત્વના મંત્રાલયોની બેઠક છે. જે અમેરિકા અને ભારત વચ્ચે કેટલાક સમય પહેલા શરૂ થઈ છે.
આ બેઠકમાં બેઝિક એક્સચેન્જ અને કોર્પોરેશન એગ્રીમેન્ટ પર મોહર લાગી શકે છે. જે બાદ અમેરિકા ભારતની સાથે કેટલીક મહત્વની જાણકારીઓ શેર કરશે. જેમાં સેટેલાઈટથી લઈને અન્ય મિલિટ્રી ડેટા સામેલ છે. સાથે જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રાજકીય, સામરિક માહોલ પર પણ ચર્ચા થશે.
મંગળવારે બંને નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જે બાદ ભારત અને અમેરિકા તરફથી નિવેદન જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચીન સાથે જારી તણાવ વચ્ચે અમેરિકાએ કેટલીય વાર ખુલીને ભારતનો સાથે આપ્યો અને ચીન પર જ માહોલ બગાડવાનો આરોપ લગાવ્યો છે.