માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ સૂકાયેલ પાકની હોળી કરી
પાટણ, રાધનપુરના બાદરપુરા ગામ નજીક પસાર થતી અંડર ગ્રાઉન્ડ, માઈનોર કેનાલમાં છેલ્લાં ૧ મહિના કરતાં વધારે સમયથી પાણી છોડવામાં આવ્યું નથી. જેને લઈ ખેડૂતોએ મહામહેનતે વાવેલા ૫૦૦ વિદ્યાર્થી વધારે પાક સૂકાવાને આરે જઇ રહ્યો છે. કેનાલમાં પાણી છોડવા બાબતે ખેડૂતોએ નર્મદા વિભાગને અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે.
તેમ છતાં આજદિન સુધી પાણી ન આવતા કંટાળેલા ખેડૂતોએ સૂકાયેલા પાકની હોળી કરીને નર્મદા વિભાગ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
રાધનપુર તાલુકામાં પસાર થતી નર્મદા વિભાગની કેનાલોમાં રોજબરોજ ગાબડાંઓ પડી રહ્યાં છે. નબળી ગુણવત્તાવાળી કેનાલો તૂટતા કેનાલોનું હજારો લીટ પાણી ખેતરોમાં વહી જતાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જઈ રહ્યો છે.
રાધનપુર તાલુકામાં પસાર થતી કેનાલોમાં સફાઈના નામે કોન્ટ્રાક્ટર અને જવાબદાર ભ્રષ્ટ બાબુઓએ લાખો રૂપિયા અદ્ધરતાલ કર્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ ખેડૂતો લગાવી રહ્યાં છે. આમ તાજેતરમાં રાધનપુર તાલુકામાં કેનાલો ઓવરફ્લો થતાં બિનજરૂરી પાણી ખેતરોમાં વહી જતાં ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યાં છે.
ખેડૂતોએ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે, વીઘાથી વધારે જમીનમાં ઘઉં, તમાકુ અને દિવેલાનું વાવેતર કર્યું છે. પરંતુ કેનાલમાં પાણી ન છોડાતાં અમારો ૫૦૦ વીઘાનો પાક હાલ સૂકાવા જઈ રહ્યો છે. આ અંગે કનુ જેઠાલાલ શાહે જણાવ્યું હતું કે, નર્મદા કેનાલમાંથી સમયસર પાણી મળશે તેવી આશાથી મોટો ખર્ચ કરી વાવેતર કર્યું છે, પરંતુ પાણી ન મળતાં પાક સૂકાઈ રહ્યો છે.
આ બાબતે ખેડૂતો મેઘા રાણાભાઈએ જણાવ્યું હતું કે, કેનાલમાં છેલ્લાં એક માસથી પાણી ન આવતાં અમારો ૫૦૦ વીઘાથી વધારેનો પાક નિષ્ફળ જવાને આરે આવ્યો છે, હજુ સમયસર પાણી નહીં મળે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.