Western Times News

Gujarati News

માઉન્ટ આબુમાં પવન સાથે તાપમાનનો પારો ગગડ્યો

ગાંધીનગર: તહેવારોની સાથે જ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાલ તો સવારના સમયે તનમનને પ્રફુલ્લિત કરી નાખતી ગુલાબી ઠંડીની શરુઆત છે. ગુજરાત ઉપરાંત અરવલ્લી ગિરિમાળાના ઉચ્ચતમ શિખર અને પ્રવાસીઓના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડી બરાબરની જામી ચૂકી છે. પોતાના કુદરતી સૌંદર્યના કારણે ફેમસ માઉન્ટ આબુમાં પણ ગુરુવારે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રીએ પહોંચી ગયું હતું અને ધુમ્મસ સાથે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતાં.

જો વીકેન્ડ પર ફરવા જવાની વાત આવે તો મોટાભાગના ગુજરાતીઓના મનમાં દિવ અથવા આબુનું જ નામ આવતું હશે. નયનરમ્ય વાતાવરણ અને ગુલાબી ઠંડી પ્રવાસીઓને અનોખો જ અનુભવ કરાવે છે. સાડા ચાર હજાર ફૂટની ઉંચાઈએ આવેલા માઉન્ટ આબુમાં સુસવાટા મારતો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ઉપરાંત ઠંડી સાથે ધુમ્મસ પણ જોવા મળે છે. લોકડાઉનમાં આ સ્થળ સાવ સૂમસાન ભાસતું હતું.

ઉપરાંત કોરોનાના વધતા કહેરના કારણે રાજસ્થાન સરકારે ૩૦થી લઈને ૬ સપ્ટેમ્બર સુધી લોકડાઉન પણ લાગુ કર્યું હતું. જોકે, હવે સ્થિતિ ધીરે ધીરે પૂર્વવત્‌ થઈ રહી છે. નોંધનીય છે કે દિવાળીનું મિનિ વેકેશન શરુ થઈ ગયું છે અને ઠંડીનો ચમકારો પણ લાગી રહ્યો છે

ત્યારે સહેલાણીઓને માઉન્ટ આબુનો નજારો શિયાળામાં ખુશનુમા લાગશે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો નીચે જતાં મોડી રાતે તેમજ વહેલી સવારે કુદરતી દ્રશ્ય પણ આહલાદક લાગે છે તો ઠંડીનો પણ બરાબરનો અનુભવ થાય છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ પણ ૨૨ ડિસેમ્બર પછી આકરી ઠંડી વધવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.