Western Times News

Gujarati News

માછીમારોને મત્સ્યોદ્યોગ માટે દરિયો ખેડવાની છૂટ આપતી રાજય સરકાર

માછીમારી વ્યવસાય સાથે જોડાયેલી પ્રોસેસિંગ-પેકેજિંગ-કોલ્ડ ચેઇનમેઇન્ટેનન્સ-ટ્રાન્સપોર્ટેશનને પરવાનગી અપાશે

મુખ્યમંત્રીશ્રીની રાજ્યની ગંગા સ્વરૂપા માતા-બહેનો પ્રત્યે પ્રવર્તમાન સ્થિતીમાં આર્થિક આધાર આપવાની સંવેદના

પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ હવે રાજ્ય સરકારે દૂર કર્યો છે.

આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂન: રોજગારી-આવક મળતી થશે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યના સાગરખેડૂ-માછીમાર ભાઇઓ હવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે. આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

આવા સાગરખેડૂ ભાઇઓને માછલી-ઝિંગા પકડવા તેમજ માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની બાબતો માટેનો પ્રતિબંધ રાજ્ય સરકારે હટાવી લીધો છે તેમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું. આ પ્રતિબંધ હટી જવાથી સાગરખેડૂ પરિવારો પૂન: પોતાના વ્યવસાય થકી આર્થિક આધાર મેળવતા થશે અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ ફરી ધમધમતી થશે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની ૪ લાખ ૪૩ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનોને આર્થિક સહાય માટેનો પણ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. ભારત સરકારે આવી ગંગા સ્વરૂપા માતા-બહેનોને પ્રવર્તમાન સ્થિતીમાં એપ્રિલ-મે-ર૦ર૦ એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ.પ૦૦ પ્રમાણે ૧૦૦૦ની એકસગ્રેશિયા વધારાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં BPL –ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી આવી ૯૭૪૭૪ ગંગા સ્વરૂપા માતા-બહેનોને આ વધારાની સહાયનો લાભ ભારત સરકાર તરફથી મળવાનો છે.

મુખ્યમંત્રીશ્રીએ આવી ગંગા સ્વરૂપા માતા-બહેનો પ્રત્યે વધુ સંવેદના દર્શાવતા એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં BPL ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી ગંગા-સ્વરૂપા માતા-બહેનો સિવાયની ૩ લાખ ૪૬ હજાર ૪૧૭ ગંગા સ્વરૂપા માતા-બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે રૂ. ૧૦૦૦ એકસગ્રેશિયા વધારાની સહાય રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે શ્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારને આના પરિણામે વધારાના રૂ. ૩૪.૬૪ કરોડનો બોજ વહન કરવાનો વારો આવશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યની ૪ લાખ ૪૩ હજાર ૮૯૧ ગંગા-સ્વરૂપા માતા-બહેનોને હાલની સ્થિતીમાં કેન્દ્ર સરકારના કુલ રૂ. ૯ કરોડ ૭૪ લાખ અને રાજ્ય સરકારના રૂ. ૩૪.૬૪ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૪૪ કરોડ ૩૯ લાખની સહાય તેમના જીવનનિર્વાહની સરળતા માટે મળશે. રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં સૌ નાગરિકો-જરૂરતમંદોને અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત અને સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.

તેમણે આવી ચીજવસ્તુઓની હેરફેર કે લોકો સુધી પહોચાડવામાં કોઇ પણ જાતની ગેરરીતિઓ ચલાવી ન લેવા તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ પણ આપેલી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીની આવી તાકીદને પગલે રાજ્ય સરકારે સતર્કતા દાખવીને તાજેતરમાં સાબરકાંઠાના એક ગામમાં આવું સરકારી અનાજ અન્યત્ર લઇ જવા માટે ટ્રકમાં માલ-ફેરબદલની ઘટના સામે લાલ આંખ કરીને તેમાં સંડોવાયેલા ૭ વ્યકિતઓ સામે કાળાબજાર નિયંત્રણ ધારા અંતર્ગત કડક કાર્યવાહી કરી છે.

આ સાતેય વ્યકિતઓને PBM Act અન્વયે રાજ્યની જુદી જુદી જિલ્લા જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનના સમયગાળા દરમ્યાન કોઇ પણ ઊદ્યોગ-વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ, કારખાના ધારકો પોતાના કર્મચારીઓ-શ્રમિકોને છૂટા ન કરી શકે તેમજ વેતન પણ કાપી ન શકે તેવી ખાસ સૂચનાઓ શ્રમ રોજગાર વિભાગને આપેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.