માણાવદરમાં સ્યુસાઈડ નોટ લખીને જ્વેલર્સનો આપઘાત

Files Photo
જુનાગઢ: જૂનાગઢ જિલ્લાના માણવદરમાં જ્વેલર્સના માલિકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દુકાનમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જ્વેલર્સના માલિકે જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ માણાવદર બસ સ્ટેન્ડ રોડ શાક માર્કેટ પાસે મોહિત જ્વેલર્સના માલિક ૫૦ વર્ષીય જિતેન્દ્રભાઈ લોઢીયા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ દરરોજની જેમ રવિવારે પણ પોતાની જ્વેલર્સની દુકાનમાં આવ્યા હતા. આ દરમિયાન અગમ્ય કારણોસર દુકાનમાં જ આપઘાત કર્યો હતો. ઘટના બાદ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં જ પરિવાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મૃતક સોનીના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જાેકે, તેમના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અહેવાલ મુજબ પોલીસે સુસાઈડ નોટને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સોનીના વેપારીએ રવિવારે પાંચ વાગ્યાના અરસામાં જીવન ટૂંકાવ્યું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો અને વેપારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો આગળની કાર્યવાહી શરૂ કરી છે.