માણસાનાં વરસોડાની શાળામાં બે જુથો વચ્ચે હિંસક અથડામણ
છોકરીની માથાકૂટમાં બે ગામ વચ્ચે અથડામણ
ગાંધીનગર ,માણસા તાલુકાનાં વરસોડા ગામની અનોપ કુંવરબા વિદ્યાલયમાં છોકરીની માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં રંગપુર અને ગુમના ગામનાં લબરમૂછીયાં ઈસમોનું જુથ સ્કૂલમાં ધસી ગયુ હતું. ચાલુ સ્કૂલમાં બન્ને જુથો વચ્ચે હિંસક અથડામણ થતાં સ્કૂલનાં અન્ય બાળકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે બન્ને સમાજના આગેવાનો દોડી આવતા મધ્યસ્થી કરીને પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
માણસા તાલુકાના વરસોડા ગામની અનોપ કુંવરબા સ્કૂલમાં ધોરણ ૬થી ૧૨ સુધીના વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આ સ્કૂલમાં આસપાસ ગામના રંગપુર, બદપુરા, ઈશ્વરપુરા અને ગુમના ગામના બાળકો પણ અલગ અલગ ધોરણમાં અભ્યાસ માટે આવે છે. આ સિવાય વરસોડા ગામના બાળકો પણ પણ આ સ્કૂલમાં ભણી રહ્યા હતા.
ગુરુવારે રાબેતા મુજબ સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું. એ દરમિયાન અચાનક જ રંગપુર અને ગુમના ગામના બે લબરમૂછીયાં ઈસમોનું જુથ લાકડી ધોકા જેવા હથિયારો લઈને સ્કૂલમાં ધસી આવ્યું હતું. છોકરીની માથાકૂટમાં બંને જુથો વચ્ચે ફિલ્મી ઢબે અથડામણ થતાં અભ્યાસ કરતા બાળકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે સ્કૂલના આચાર્ય અને શિક્ષકો પણ ચોંકી ઉઠયા હતા.
ગામની સ્કૂલમાં બે જૂથો વચ્ચે અથડામણ થયાની વાત વહેતી થતાં વાલીઓ પણ સ્કૂલ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતાં માણસા પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી.
આ અંગે માણસા પોલીસ મથકના ફોજદાર પરમારે જણાવ્યું હતું કે, છોકરીને મેસેજ મોકલવાની બાબતે રંગપુર અને ગુમના ગામના લબરમૂછીયાં ઈસમોનું જુથ ચાલુ સ્કૂલમાં ધસી ગયું હતું અને બંને વચ્ચે મારામારી થતાં ચારથી પાંચ લોકોને ઈજાઓ પણ થઈ હતી. ત્યારે બંને ગામના આગેવાનો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.
બાદમાં બંને કોમના આગેવાનો સાથે મેરેથોન બેઠક યોજીને સમાધાન કરાવ્યું હતું. હજી પણ બંને પક્ષે વાતચીતનો દોર ચાલુ રાખીશું.આ મામલે સ્કૂલના આચાર્ય ચાવડાએ જણાવ્યું હતું કે, છોકરી બાબતે બંને ગામના છોકરાઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. જાેકે, બંને પક્ષે સમાધાન થઇ ચૂક્યું છે અને સ્કૂલ રાબેતા મુજબ ચાલુ છે.
આજે સ્કૂલમાં ૫૫થી ૬૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સ્કૂલમાં જે રીતે જુથ અથડામણ થયું તેના કારણે ગામના બાળકોમાં ભયનો માહોલ છવાઈ જતાં આજે સ્કૂલમાં પાંખી હાજરી નોંધાઈ હતી.SS3KP