માણસા-કલોલના ખેડૂતોને રંજાડનારા એરંડાચોર ઝડપાયા: પણ એરંડા મળ્યા નહીં
ખેતરમાંથી ચોરેલા તૈયાર પાક સસ્તા ભાવે વેચવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ
ગાંધીનગર, કલોલ અને માણસામાં ખેડૂતોના ખેતરમાંથી લણેલા એરંડાની ચોરી કરતી ગેંગનો પોલીસે પદાર્ફાશ કરી લીધો છે. પાછલા ઘણાં સમયથી ખેડૂતોની કાળી મજૂરીનો પાક ઓળવી જનારા બે એરંડા ચોરને પોલીસે ઝડપી લીધા છે. એરંડા ચોરવા માટે ઉપયોગોમાં લેવાયેલા પિક અપ ડાલા અને મોબાઈલ સાથે બે ચોરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જોકે આરોપીઓએ ચોરેલા એરંડા પોલીસને હજુ મળ્યા નથી. ચોરીના એરંડાને આરોપીએ સગે-વગે કરી ીધું હોવાનું મનાય છે, ત્યારે આ દિશામાં નકકર પોલીસ તપાસ થાય તો ખેતરમાંથી ચોરેલો તૈયાર પાક સસ્તા ભાવે વેચી દેવાના રાજય વ્યાપી કૌભાંડનો ખુલાસો થઈ શકે છે.
ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોને રંજાડતી ચોરોની ગેંગને ઝબ્બે કરવા રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ પોલીસને સૂચના આપી હતી. કલોલ અને માણસા તાલુકામાં ખેતરોમાં લણીને મુકેલા એરંડાના પાકની ચોરી કરતી ગેંગ અંગે ફરિયાદો ઉઠી હતી. એલસીબી-૧ની ટીમે એરંડાચોર ગેંગને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
પીએસઆઈ એચ.પી.સોલંકી અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એરંડાચોર અંગે નકકર બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગોલથરા પાટીયા નજીકથી જીતેન્દ્રસિંહ તખુજી વાઘેલા (ઉ.વ.૩૬ રહે. ગામ-ખોરજ ડાભી, મનહરનગર તા-કલોલ)અને રણજીતજી મગનજી ઠાકોર (ઉ.વ.૩૬ રહે, ગામ- ખોરજ ડાભી, ઠાકોરવાસ તા.કલોલ)ને કોર્ડન કરીને અટકાવ્યા હતા.
તેઓ જ એરંડાચોર હોવાની ખાતરી થતાં પોલીસે પુછપરછ કરી હતી. તેમની પાસે ખેતરમાં એરંડાની ચોરી કરવા માટે ઉપયોગ લેવાતું પિકઅપ ડાલુ નં. જીજે-૧૮-એઝેડ-૭૬૬૧ હતું. એક લાખનું ડાલું તથા રૂ.૧૦ હજારના બે મોબાઈલ સહિત કુલ રૂ.૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીઓની પુછપરછ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ બંને આરોપી સામે માણસામાં બે અને કલોલ તાલુકા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે. પોલીસે ત્રણ ગુનાના ભેદ ઉકેલી દીધાં છે, પરંતુ આરોપીઓએ ચોરીના અરંડા કોને વેચ્યા તે અંગે તપાસ હજુ બાકી છે. પોલીસ દ્વારા આ મામલે તલસ્પર્શી તપાસ થાય તો ખેતરમાંથી તૈયાર પાકની ચોરી કરતી અને તેની ખરીદી કરતી રાજયવ્યાપી ગેંગનો પર્દાફાશ થવાની સંભાવના સુત્રોએ વ્યકત કરી છે.