માણસ પોતાનાં જીવનમાં સૌથી મોટી કિંમત લઘુતાગ્રંથિની ચૂકવે છે
વિદ્યાર્થીઓને ભાષા ભણાવવાની ખૂબ મજા પડે. જેટલા ઉમંગથી શિક્ષક ભણાવે તેટલા જ ખંતથી વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ભાષાનો નાનામાં નાનો એકમ અક્ષર છે અને તેનાથી શબ્દ બને, તમે કોઈપણ ભાષા બોલો, તેમાં શબ્દો ન હોય તેવું સંભવ નથી. ભાષા સંદર્ભે સૌ કોઈ એ આજીવન યાદ રાખવા જેવી એક વાત છે. ‘દરેક શબ્દની એક કિંમત હોય છે એ તમારા ઉપયોગ પર નિર્ભર છે કે એ શબ્દની કિમત તમને મળશે કે તમારે ચૂકવવી પડશે.’ આપણા વ્યક્તિત્વ અને જીવન બાબતે વાત કરીએ તો માણસ પોતાના જીવનમાં સૌથી મોટી કિંમત લઘુતાગ્રંથીની ચૂકવે છે. ચાલો આ બાબતે થોડી વાત કરીએ.
આગળના સેમેસ્ટરમાં પહોંચે તેમ તેમ વિદ્યાર્થીઓનો એક બીજાના ઘરે આવરો જાવરો વધે. એક ડાહ્યો વિદ્યાર્થી મોહિત, કોઈ દિવસ કોઈના ઘરે ન જાય તેને એકલો બોલાવી સહાનૂભૂતિપૂર્વક મેં પૂછયું તો જાણવા મળ્યું કે તેનું ઘર સાધારણ હોવાથી તે કોઈને પોતાના ઘરે બોલાવતો નથી. વળી તેના માતાપિતા પણ સાવ ઓછું ભણેલા છે એટલે તેને શરમ આવે છે મેં તેને સમજાવવાની શરૂઆત કરી કે એમાં શરમાવાનું શું હોય? તો તે બોલ્યો કે અમે પછાત છીએ એ સત્ય જ તો છે. મેં તેને ફરી કહ્યું કે લઘુતા અનુભવવવી અને તેનાથી પીડાવું એ બન્ને અલગ-અલગ બાબતો છે. આપણને લાગુ પડતા કોઈ ક્ષેત્રમાં આપણે થોડા ઉણા હોઈએ તો તેમાં સુધારો લાવવા પ્રયત્ન કરવો જાેઈએ પરંતુ દરેક ક્ષેત્રમાં કોઈને જાેઈને પોતાને નબળા સમજવા એ તો મૂર્ખતા છે. સમગ્ર વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેની પાસે બધું જ હોય. તારી પાસે જે છે તેને તેમાં શું સારામાં સારું છે, તે જાે અને જે નથી તેને મેળવવાનો પ્રયત્ન કર. લઘુતાગ્રંથી જેવા મનમાં ઘર કરી જાય તે વ્યક્તિ ક્યારેય પ્રસન્ન રહી શકતો નથી કે આગળ વધી શકતો નથી.
આ વાત માત્ર મોહિતે જ નહી સૌએ વિચારવા જેવી છે. ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેકસ એક એવી મનોદશા છે જે માત્ર વિદ્યાર્થીઓમાં જ નહી વાલીઓમાં પણ હોય છે. માતાપિતાને પણ પોતાના બાળકોના અભ્યાસ કે બુદ્ધિ ક્ષમતા બાબતે લઘુતાગ્રંથી અનુભવાતી હોય છે. કોઈના અલમસ્ત બાળકને જાેઈને પાતળા બાળકની માતા તેને ઘી કે સૂકો મેવો ખવડાવવા માંડે છે. કોઈને પોતાના શરીરની, ઘરની, કમાણીની કે જીવનની જુદી જુદી ઘટનાઓમાં લઘુતાગ્રંથી અનુભવાતી જ રહે છે. પોતાના પુસ્તક ‘યુ કેન હીલ યોર લાઈફ’ માં લેખિકા લુસી હે કહે છે કે વિશ્વના મોટાભાગના વ્યક્તિઓ લઘુતાગ્રંથિથી પીડાય છે પરંતુ આ એક વિચાર જ છે જેને બદલી શકાય છે લઘુતાગ્રંથી આપણા જીવનમાં નિરાશાનો ભાવ લાવે છે. વિશ્વમાં રહેલી ઉર્જા તમારા વિચારોને બળ આપે છે.
સારા વિચાર કરો તો સારું અને નબળા વિચાર કરો તો ખરાબ. બીજાનું આધળુ અનુકરણ, અકારણ સકોચ, દરેક પ્રસ્તવામાં પીછે હટ કરવી આ બધી નિશાનીઓ છે કે તમે લઘુતા અનુભવો છો લઘુતાગ્રંથી દૂર કરવા તમારી ક્ષમતાઓને ઓળખો અને એના પર ગર્વ કરો. મિત્રો, પંજાબ કેસરી લાલા લજપતરાયે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ આપી દીધા હતા. લઘુતાગ્રંથી માત્ર કોઈ એક વ્યક્તિમાં જ હોય એવું નથી હોતું. વીરતા, વિજ્ઞાન, વૈભવ હોય કે વરસો શું નહોતું આપણા દેશ પાસે? આત્મવિસ્મૃતિ થવાના કારણે આપણે આ બધું ભુલી ગયા. કાલી અને કૃષ્ણના ઉપાસકો ગોરા રંગના ગુલામ બનવા લાગ્યા. ભારત દેશે પોતાની લઘુતાગ્રંથીની કિંમત વર્ષોની ગુલામી વેઠીને ચુકવી. અબ્દુલ કલામના એક વૈજ્ઞાનિક મિત્ર ભારતને સાવ ઝીરો જ માનતા હતા. કલામ સાહેબેતેમને એક કેલેન્ડર બતાવ્યું તો મિત્રએ કહ્યું કે આ વિદેશમાં પ્રિન્ટ થયું છે તેમને જવાબ આપતા કલામ સાહેબે કહ્યું કે જરા નજીકથી જુઓ, એ ફોટો ભારતીય ઉપગ્રહ દ્વારા લેવાયો છે. ચાલો આપણે પણ લઘુતાને ગ્રંથી ન બનવા દેવાનો સંકલ્પ કરીએ.