માણાવદર- ચુડવા રોડના ચાલતા કામમાં વેળવામાં પ્રોટેક્શન દીવાલ બાંધવા સરપંચની માગણી

સરકાર તરફથી માર્ગ સુવિધા અંતર્ગત ચાલી રહેલા રોડ રસ્તાના કામને ઉતેજના મળી રહે તેવા હેતુ સબબ માણાવદર થી ચુડવા સુધીના રસ્તાનું કામ ચાલી રહયું છે
આ રોડ સુધારણા કામમાં પ્રોટેક્શન માટે દીવાલ ની જરૂર હોવા છતાં ચાલું કામમાં દીવાલનો સમાવેશ કરાયો ન હોવાથી વેળવા ગામના સરપંચ કુમનભાઇ શોભાસણાએ રાજય માર્ગ મકાન વિભાગ ગાંધીનગર તથા જૂનાગઢના વિભાગને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે વેળવા ગામે સરકારી દવાખાના પાસે થી લઇ ગામના કબ્રસ્તાન સુધી બંને બાજુ પ્રોટેક્શન દીવાલ બનાવવાની ખાસ જરૂર છે જેની લંબાઈ 400 મીટર જેટલી થઇ શકે છે. પ્રોટેક્શન માટે દીવાલ મહત્વની ગણાય છે.
સરપંચે જણાવ્યું છે કે આ કામમાં વચ્ચે આવતા અમારા ગામ વેળવામાં દીવાલ બનાવવાનો સમાવેશ કરાયો નથી જેથી પ્રોટેક્શન માટે તાકીદથી સરવે કરાવી તેમાં દીવાલ બાંધકામ ઉમેરવું કારણકે ચોમાસામાં પાણીના ધસારાને કારણે રોડને મોટું નુકસાન થાય છે. જેથી ચોમાસા પહેલા આ કામ પૂર્ણ થાય તો જ આ રોડ ને ધોવાણથી બચાવી શકાશે.
સરપંચે વધુમાં એ પણ જણાવેલ કે ગામના તળાવનું પાણી ચોમાસામાં ઓવરફલો થાય છે ને તે નાના પુલીયા ને તોડી ને રોડનું ધોવાણ કરે છે જેથી એક નવું પુલીયુ બનાવાય તો રોડ કાયમ સુરક્ષિત રહી શકે તેમ છે.