માણેકચોકમાં જર્જરિત મકાન ધરાશાયી : ત્રણને બચાવાયા
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત ચોમાસાનો માહોલ જાવા મળી રહયો છે શહેરમાં વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ સતત વરસાદના કારણે અનેક જર્જરિત મકાનો ભયજનક બની ગયા છે આજે સવારે શહેરના માણેકચોક વિસ્તારમાં દાણાપીઠ ફાયરબ્રિગેડની પાછળ આવેલુ એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ જતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા અને કાટમાળ નીચે દટાયેલા ત્રણ નાગરિકોને સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વરસાદ પડવાને કારણે રસ્તાઓ જાખમી બની ગયા છે ઠેરઠેર ભુવા પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહયા છે શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે વરસાદના ઝાંપટા પડી રહયા છે આ ઉપરાંત શહેરના કોટ વિસ્તારમાં કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે
વરસાદી ઝાપટાઓના કારણે આ તમામ મકાનો ભયજનક સ્થિતિમાં મુકાયા છે જેના પરિણામે કોર્પોરેશનનું ફાયરબ્રિગેડ તંત્ર એલર્ટ પર મુકવામાં આવ્યું છે આજે વહેલી સવારે શહેરના માણેકચોક વિસ્તારમાં શાકમાર્કેટની પાછળ દાણાપીઠ ફાયરબ્રિગેડની બાજુમાં કંસારાની પોળમાં આવેલું એક ત્રણ માળનું મકાન જર્જરિત હાલતમાં હતું
આ દરમિયાન વરસાદ પડવાના કારણે આ મકાન ભયજનક સ્થિતિમાં જાવા મળતુ હતું આજે સવારે અચાનક જ આ ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જાકે બાજુમાંથી જ દાણાપીઠ ફાયર સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરીથી આ મકાનમાં દટાયેલા ત્રણ નાગરિકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્રણેયને ઈજાઓ થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.