માણેકચોક ખાણીપીણી બજારને શરૂ કરવા મંજૂરી આપવા રજૂઆત
અન્ય બજારો ચાલુ રહેતા હોય તો માણેકચોક સામે વાંધો કેમ?: ચર્ચાનો વિષય
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન માણેકચોક ખાણીપીણી બજાર છેલ્લા કેટલાંક દિવસોથી વિવાદનું કેન્દ્ર બન્યું છે. લોકડાઉન સમયથી બંધ રહેલ આ ખાણીપીણી બજારને ૨૨ ઓગસ્ટે ખોલવામાં આવ્યું હતું. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કનડગત કરવામાં આવતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યાે હતો. તથા બજાર બંધ કરીને ફરીથી ખોલવા માટે પરવાનગી માંગી છે. જેની ફાઈલ તૈયાર થઈ ગઈ છે. શહેરના અન્ય વિસ્તારોમાં બજારો ખુલ્લા રહી શકતા હોય તો માણેકચોક મામલે જ કનડગત કેમ ? તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-૨ની ગાઈડલાઈન બાદ શહેરના મોટાભાગના બજારો ખુલી ગયા છે. દિવસ દરમ્યાન તમામ વિસ્તારોમાં શાકભાજી સહિતના બજારો ભરાઈ રહ્યા છે. જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટ પણ પાર્સલ સુવિધા સાથે શરૂ થઈ ગયા છે. પરંતુ માણેકચોકના પ્રખ્યાત ખાણીપીણી બજારને શરૂ કરવા સામે મ્યુનિ.કોર્પાેરેશને નનૈયો ભણ્યો છે. તથા બજાર શરૂ થયા બાદ માત્ર ત્રણ દિવસમાં જ તેને બંધ કરાવવામાં આવ્યું છે. જેના માટે કોરોના સંક્રમણના કારણો આપવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનના અધિકારીઓની દલીલ સાચી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે તમામ માટે ફરજીયાત છે.
પરંતુ મ્યુનિ.કોર્પાેરેશન આ મામલે બેવડી નીતિનો અમલ કરી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ નિશીથ સિંગાપોરવાળાએ ઉપરોક્ત દલીલ કરતા વધુમાં જણાવ્યું હતું કે શહેરના જમાલપુર, કાલુપુર ટાવર, રાયપુર દરવાજા તથા ભઢીયારગલીમાં પણ રાત્રી ખાણીપીણી બજાર ચાલી રહ્યા છે. જેમાં પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોય છે. આ નિયમ સાથે જ માણેકચોક બજાર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશને દબાણની ગાડીઓ મોકલી બજાર બંધ કરાવ્યું હતું. સરકારની માર્ગદર્શિકા મુજબ અન્ય બજારો ચાલી શકતા હોય
તો માત્ર માણેકચોક બજારને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. ? માણેકચોક બજારમાં દિવસ દરમ્યાન ૩૦થી ૪૦ લારીવાળા ઉભા રહે છે. આ જ પરિસ્થિતિ તમામ વિસ્તારોમાં છે. સરકારના નિયમોનું પાલન કરીને માણેકચોક ખાણીપીણી બજારના વેપારીઓ ધંધો કરી રહ્યા હોય તો તેને બંધ કરવાની જરૂર નથી. માણેકચોક બજારમાં નાના-મોટાં ૪૮ જેટલાં વેપારીઓ ધંધો કરીને ગુજરાન ચલાવી રહ્યાં છે. આ તમામ વેપારીઓ પાસે પોલીસ અને હેલ્થ વિભાગના લાઈસન્સ છે. રાત્રી બજારમાં ભીડ એકત્રિત ન થાય તે માટે માત્ર પાર્સલ સુવિધા જ આપવામાં આવી રહી હતી.
તેથી મ્યુનિ.અધિકારીઓએ સરકારની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તેમજ વેપારીઓ ધંધો પણ કરી શકે તેને ધ્યાનમાં લઈને તાકીદે નિર્ણય કરવો જરૂરી છે. લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટની જગ્યા મનપા માલિકીની છે તથા વેપારીઓએ ભાડે આપી છે. તેથી માણેકચોક બજારની હેપ્પી સ્ટ્રીટ સાથે સરખામણી થવી ન જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. માણેકચોક ખાણીપીણી બજારના વેપારીઓની વ્યાજબી રજૂઆતને ધ્યાનમાં લઈને ઝઓનના આસી.કમીશનરે બજાર ખોલવા માટે પરવાનગી માંગતી દરખાસ્ત તૈયાર કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.