માતર તાલુકાની હૈજરાબાદ બની સૌ પ્રથમ ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત
(માહિતી) નડિયાદ, ખેડા જિલ્લાના માતર તાલુકાનું હૈજરાબાદ ગામ તાલુકામાં સૌપ્રથમ ટી.બી. મુકત ગ્રામપંચાયત જાહેર કરવામાં આવ્યુ છે. અંદાજિત ૨૯૮૫ની વસ્તી ધરાવતા હૈજરાબાદના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટી.બીના દર્દીઓને પોષણ કીટ પુરી પાડવામાં આવેલ હતી.
નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક દર્દીને ડી.બી.ટીના માધ્યમ થી રૂ.૩૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે. આયુષમાન આરોગ્ય મંદીર હૈજરાબાદના કોમ્યુનીટી હેલ્થ ઓફીસર, મલ્ટી પરપઝ આરોગ્ય કર્મચારી, ફીમેલ હેલ્થ કર્મચારી તથા ગામની આશા બહેનોના સંયુકત પ્રયાસોથી ગામ ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત બનવાની સિદ્ધિ મેળવી શક્યુ છે.
આ બાબતે તાલુકા આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી આપતા આયુષ્માન આરોગ્ય મંદિર હૈજરાબાદના કર્મચારી શ્રી ભાવિન ચૌધરી જણાવે છે કે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આરોગ્ય સ્ટાફ દ્વારા ત્રણ મહિના સુધી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ટી.બી. મુક્ત પંચાયતના માપદંડો અનુસાર ૬૬ સ્પુટમ અને ૨૭ એક્સરે રીપોર્ટ કરતાં એક પણ ટીબીનો પોઝિટિવ કેસ નોંધાયો નથી આ રીતે હૈજરાબાદની ટી.બી. મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે.
ટી.બી. એ જીવલેણ ચેપી રોગ છે. અને તેનાથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ટી.બી મુકત પંચાયતની વિભાવના અમલમાં મુકવામાં આવેલ છે. ટીબી મુક્ત ગ્રામપંચાયત માટે અમુક નિચ્છિત માપદંડો હાંસલ કરવાના હોય છે. જેમ કે ગ્રામ પંચાયતમાં ૧૦૦૦ની વસ્તીએ ૧ કે તેથી ઓછો ટી.બીનો કેસ હોય, ૧૦૦૦ની વસ્તીએ ૩૦ કે તેથી વધુ શંકાસ્પદ ટી.બીના સ્પુટમ લેવામાં આવેલ હોય,
તેમજ સારવાર હેઠળના તમામ ટીબીના દર્દીની દવાની અસરકારકતા માટેની તપાસ કરવામાં આવેલ હોય, તમામ દર્દીની બેંકના ખાતાની માહીતી લેવામાં આવેલ હોય, દરેકને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલ હોય, દરેક દર્દીને પોષણ કીટ મળેલ હોય અને અગાઉના વર્ષનો સકસેસ રેટ ૮૫ ટકાથી વધુ હોય તેવા તમામ માપદંડો સિદ્ધ કરે તેવી ગ્રામ પંચાયતને ટી.બી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે.