માતાએ ગુડ ટચ-બેડ ટચની સમજણ આપી: બાળકીએ બળાત્કારી શિક્ષકને પકડાવ્યો
જોધપુર, રાજસ્થાનના જોધપુર ખાતે એક માતાએ પોતાની બાળકીને ગુડ ટચ-બેડ ટચ શું હોય તેના વિશે સમજણ આપી હતી. જોકે આ સમજણ મળ્યા બાદ બાળકીએ ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. બાળકીએ કહ્યું હતું કે, 4 વર્ષ પહેલા તેના સાથે શાળામાં કંઈક ખોટું થયું હતું.
બાળકીએ માતાને કહ્યું હતું કે, 26 ફેબ્રુઆરી 2018ના રોજ તે શાળામાં યોજાનારા એન્યુઅલ ફંક્શન માટે ડાન્સ પ્રેક્ટિસ કરતી હતી ત્યારે સ્કૂલના ડાન્સ ટીચરે તેના સાથે ગંદી હરકત કરી હતી. ટીચરે પ્રેક્ટિસ દરમિયાન તેને બાથરૂમમાં લઈ જઈને તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ખબર પડતાં જ બાળકીની માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.
માતાએ બાળકી સાથે બનેલી ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે બાળકીનું મેડિકલ કરાવ્યું જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. પોલીસે તરત જ એક્શન લઈને ડાન્સ ટીચરની ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદમાં બાળકીએ કહ્યું કે, આ ગંદી હરકત બાદ તેને ડરાવીને ધમકી આપી હતી કે જો આ વાત તું કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ. આ કારણે બાળકી ડરી ગઈ હતી અને આ વાત તેણે કોઈને નહોતી કરી.
બાળકીની માતાએ કહ્યું કે, આ વાત બાળકીએ કોઈને ક્યારેય કરી નથી પણ એ દિવસથી તે હંમેશા ડરેલી રહેતી હતી. તે હંમેશા એવું કહેતી કે, તેને માથું દુખે છે અને તે પોતાનામાં જ ખોવાયેલી રહેતી હતી. ઘણીવાર ડોક્ટર્સ પાસે પણ બતાવ્યું પણ કંઈ ખબર ન પડી. માતાએ કહ્યું કે, એક દિવસ એણે બાળકીને પોતાની પાસે બેસાડીને ગુડ ટચ-બેડ ટચની વાત કરી ત્યારે બાળકીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.