માતાએ પ્રેમી સાથે મળીને તેના પિતાની હત્યા કરી હોવાનો પોલીસ સામે પુત્રીનો ખુલાસો

Files Photo
મુંબઇ: દહિસર વિસ્તારમાં એક હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જયાં ૬ વર્ષની માસૂમ બાળકીએ માહિતી આપતા એક મર્ડર કેસનો ખુલાસો થયો છે. બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની આંખો સામે માતાએ પ્રેમી સાથે મળીને તેના પિતાની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી પ્રમાણે હત્યાના ૧૧ દિવસ બાદ માસૂમ બાળકી દ્વારા પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. બાળકીની માહિતીના આધારે પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પતિની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ પત્નીએ રસોડામાં જ દફનાવી દીધો હતો. હાલ પોલીસે મૃતદેહને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના ગોંડામાં રઈસના લગ્ન વર્ષ ૨૦૧૨માં શાહિદા સાથે થયા હતા. લગ્ન પછી બંને મુંબઇ આવ્યા હતા અને દહિસર પૂર્વના ખાન કમ્પાઉન્ડમાં ભાડાના મકાનમાં રહેતા હતા. રઈસ પોતે દહિસરમાં રેલવે સ્ટેશન નજીક કાપડની દુકાનમાં નોકરી કરતો હતો, જ્યારે પત્ની ઘરે અઢી વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રી સાથે ઘરે જ રહેતી હતી.
આ દરમિયાન શાહિદાના પડોશમાં રહેતા અનિકેત ઉર્ફે અમિત મિશ્રા સાથે અનૈતિક સંબંધો બની ગયા. જ્યારે આ વાત રઈસ સુધી પહોંચી ત્યારે તેણે વિરોધ કર્યો હતો. શાહિદાને તેના પતિના વારંવારના વિરોધની વાત પસંદ નહોતી. આ પછી તેણીએ તેના બોયફ્રેન્ડ અમિત સાથે મળીને રઈસને રસ્તા વચ્ચેથી હટાવવા માટે પ્લાન બનાવવાનું શરૂ કર્યું.
૧૧ દિવસ પહેલા શાહીદા અને અમિત જ્યારે અનૈતિક સંબંધો બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક રઈસ ઘરે આવ્યો હતો. ત્યારબાદ બંનેએ ઘરમાં રાખેલી છરીથી રઈસની ર્નિમમ હત્યા કરી દીધી. તે જ સમયે ૬ વર્ષની પુત્રી તેના અઢી વર્ષના ભાઈ સાથે ઘરે આવી. શાહિદાએ તેની ૬ વર્ષની પુત્રીને ધમકી પણ આપી હતી કે જાે તે કોઈને કંઇ કહેશે તો તેને પણ પિતાની જેમ કાપીને જમીનમાં દફનાવી દેશે.
એક તરફ જ્યાં શાહિદા તેના પતિની હત્યાની હકીકતને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી, તો બીજી તરફ રઈસના મિત્રો તેના ગાયબ થયાની હકીકતને પચાવી શક્યા નહીં. આ દરમિયાન રઈસના એક મિત્રએ દહિસર પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ કરી હતી. જાે કે, બાદમાં ૬ વર્ષની બાળકીએ પોલીસને બધુ જણાવતા બંને આરોપીની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.