માતાએ બાઇક માટે પૈસા ન આપતા પુત્ર દ્વારા આત્મહત્યા
અમદાવાદ: આજના બાળકો કે યુવાપેઢી માતા-પિતાની કોઇ રોકટોક કે તેમના સારા હિત માટે કોઇ નિર્ણય કરે તો તે સહન કરી શકતા નથી તેવા અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે ત્યારે આજના બાળકો કે યુવાપેઢીની માનસિકતાને લઇ સભ્યસમાજમાં ગંભીર મંથનની જરૂરિયાત વર્તાઇ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કંઇક આવો જ કિસ્સો વડોદરાના કોયલી ગામે નોંધાયો હતો.
વડોદરા શહેરના કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતાએ બાઇક લાવવા માટે પૈસા નહી આપતા ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવને પગલે ગરીબ પરિવાર પર આભ તૂટી પડયું હતું.
બીજીબાજુ, જવાહરનગર પોલીસે સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઇ પેટલની લીંબુની વાડી આવેલી છે. આ વાડીમાં દિનેશ રામસીંગ નાયક(ઉ.વ.૨૩) માતા અને પરિવાર સાથે રહેતો અને ખેત મજૂરી કરતો હતો. દિનેશે માતા પાસે બાઇક લેવા માટે માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ, માતાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા દિનેશને લાગી આવ્યું હતું અને મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગેની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે પ્રાથમિક કારણ જાણ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર આજની યુવાપેઢીની માનસિકતાને લઇ સભ્યસમાજ સામે ગંભીર સવાલો અને મંથનની જરૂરિયાતને ઉભા કર્યા છે.