માતાજીની આરતી બાદ ગરબા રમતા બે ગુના નોંધાયા
અમદાવાદ: કોરોના મહામારીને કારણે સરકારે ફ્લેટમાં કે સોસાયટીમાં માત્ર આરતી કરવાની મંજૂરી આપી છે. ગરબા રમવા પર પ્રતિબંધ હોવા છતાંય કેટલાક લોકો નિયમોને નેવે મૂકીને તેમના શોખ પૂરા કરી લોકોને નુકશાન પહોંચાડી રહ્યાં છે. એવો જ એક કિસ્સો રાણીપમાં બન્યો હતો.
એક ફ્લેટમાં કેટલાક લોકો આરતી પૂરી થયા બાદ તાનમાં આવી ગયા હતા અને ગરબે ઘૂમવા લાગ્યા હતા. જેથી એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.
જે બાદમાં પોલીસ બે લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો. બાદમાં બંને શખ્સોએ પોલીસને જાણ કરનાર વ્યક્તિની પુત્રીને ધમકી આપી કે તેમના પિતા દારૂ પીશે ત્યારે હવે તે લોકો પણ પોલીસને જાણ કરશે. જેથી મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
રાણીપમાં આવેલા પિન્કસીટી એપાર્ટમેન્ટમાં હેતલબેન દવે તેમના માતાપિતા સાથે રહે છે. ગત તા. ૧૯મીના રોજ દવે પરિવાર ઘરે હાજર હતો. ત્યારે સંધ્યાકાળના સમયે તેમના ફ્લેટમાં નવરાત્રી નિમિત્તે માતાજીની આરતી થઈ રહી હતી.
આરતી પૂર્ણ થયા બાદ સહુ કોઈ પ્રસાદ લઈને નીકળતા હતા તેવામાં જ ત્યાં કેટલાક લોકોએ ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું. મહામારીને કારણે સરકારે ભેગા થઈને ગરબા રમવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી હેતલબેનના પિતાએ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જેથી રાણીપ પોલીસ તત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. જેથી બધાએ ગરબા રમવાનું બંધ કરી દીધું હતું. બાદમાં બીજા દિવસે આ ફ્લેટમાં રહેતા સુરેશભાઈએ આ મહિલાને ધમકી આપી કે તારા પિતાને પોલીસને ફોન કરવાનો બહુ શોખ છે,
હવે તે દારૂ પીશે ત્યારે અમે પણ પોલીસને જાણ કરીશું. આટલું જ નહીં અન્ય રહીશ નીતિન પંચાલે પણ ગરબા બંધ કરાવવા બાબતે આ યુવતી સાથે બોલાચાલી કરીને ધમકી આપતા મહિલાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાણીપ પોલીસે સુરેશભાઈ અને નીતિન પંચાલ સામે જાહેરનામા ભંગનો પણ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદી મહિલા હેતલબેને ગરબા રમતો વીડિયો બતાવતા રાણીપ પોલીસે આ પુરાવાના આધારે બંને લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.