માતાના ગર્ભમાં બાળક હોય ત્યાંથી લઇને તે પગભર થાય ત્યાં સુધીની ચિંતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરાઇ છે : શિક્ષણમંત્રી
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022 સમાપન સમારોહ
વ્યક્તિ ઘડતર અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સૌથી મહત્વનું પાસું છે : શ્રી જીતુભાઇ વાધાણી
પ્રગતિશીલ શૈક્ષણિક માપદંડોના પગલે ગુજરાત દેશનું મહત્વનું રાજ્ય બન્યું છે : રાજ્યમંત્રી શ્રી કિર્તીસિંહ વાધેલા
અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ના સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું કે, ICAI-2022મા જે પ્રકારનું આયોજન વ્યવસ્થા અને વિષયો આવરી લેવાયા છે તે અનોખી સિદ્ધિ છે. શિક્ષણનું કામ વ્યક્તિ ઘડતર અને સર્વાંગી વિકાસ માટે સૌથી મહત્વનું પાસું છે.
આ સદંર્ભમાં તેમણે જણાવ્યું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી-2020નો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેના આધાર પર દેશમાં સૌપ્રથમવાર પ્રાથમિક, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં આયોજનબદ્ધ રીતે આગળ વધી શકાશે.
નવી શિક્ષણ નીતિ દ્વારા પ્રધાનમંત્રી શ્રી એ આપણાં દેશની સંસ્કૃતિ અને સંસ્કારોને સાથે લઈ ચાલવાનું પથ દર્શન કરાવ્યું છે. રોકાણની સાથે શિક્ષણ માટે પ્રધાનમંત્રીશ્રીએ જે કેડી કંડારેલી છે તેના પર ગુજરાતના અનુગામી મુખ્યમંત્રીશ્રીઓએ સમય અનુસાર સુધારાઓ કરી આગળ વધાર્યું છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે, ધોરણ 6થી પી.એચ.ડી સુધીના વિધાર્થીઓને ઈનોવેશન માટે સહાય થકી શિક્ષણની સાથે તેઓને આત્મનિર્ભર કરવાનું આયોજન SSIP 2.0થી શક્ય બની રહ્યું છે.
ICAI-2022ની ફલશ્રૃતિ પર કામ કરીને નવા માંનાકો સર કરવાની મંત્રીશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.
રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોલિસ્ટિક ડેવલોપમેન્ટનો અભિગમ ધરાવે છે. ગુજરાત સરકારની શિક્ષણ પદ્ધતિ હરહંમેશ પ્રગતિશીલ અને ફળદાયી રહી છે. ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન માટે સરકારે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અમલી કરી છે. નવી શિક્ષણ નીતિના પાયામાં એક્સેસેબિલિટી, ઇક્વિટી અને એફોર્ડેબિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એકવીસમી સદીની પરીકલ્પનાને સાકાર કરશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ICAI-૨૦૨૨ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે માધ્યમ પૂરું પાડ્યું છે. જેના થકી રાજ્યમાં ડિજિટલ સશક્તિકરણ અને સંશોધન ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થશે.
રાજ્યમંત્રી શ્રી કિર્તીસિંહ વાધેલાએ જણાવ્યું કે, આપણા દેશના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારી મજબૂત પૂરવાર થયું છે. પ્રગતિશીલ શૈક્ષણિક માપદંડોના પગલે ગુજરાત દેશનું મહત્વનું રાજ્ય બન્યું છે. ભારત સરકારે શરૂ કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવાનો છે ત્યારે 21મી સદીના ભારતમાં મજબૂત આધારરૂપી આ નીતિ બનવાની છે.
તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, કૌશલ્ય વૃદ્ધિ-સર્વધન અને રોજગારી નિર્માણ માટે આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ આ અભિગમને સાકાર કરવા માટે મહત્વનો મંચ પૂરવાર થશે. ICAIના આયોજનમાં સહભાગી સંસ્થાઓના સહયોગને પણ બિરદાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, નોર્વે, કેનેડા દેશોની સહભાગીદારીના પાત્ર ઉપયોગી પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના સલાહકાર શ્રી અમિત ખરેએ ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ના સમાપન અવસરે જણાવ્યું કે, બે દિવસ ચાલેલી ICAI-૨૦૨૨ની આ કોન્ફરન્સમાં જે સેમિનાર, પેનલ ડિસ્કશન યોજાયા તે ભારતને નવી દિશા આપશે. નવી રાષ્ટ્રીય નીતિ -2020 એ ભારતની સૌથી સારી એજ્યુકેશન પોલિસીમાંની એક છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ જે આત્મનિર્ભર ભારતની સંકલ્પના સેવી છે તેમાં આ કોન્ફરસમાં થયેલી ચર્ચા-સમીક્ષા અને માર્ગદર્શન એજ્યુકેશન ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થશે એમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી એસ.જે.હૈદરે સમગ્ર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આ બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમી ઇન્સટિટ્યૂટ ખૂબ જ સફળતાપૂર્વક અને આયોજન સાથે પાર પાડવામાં આવી છે.
આ કોન્ફરન્સમાં કુલ 27 જેટલા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ-અલગ વિષયો પર આધારિત પેનલ ડિસ્કશન યોજાયા હતા. ભારતની અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા.
આ કોન્ફરન્સ થકી ભારતના બીજા દેશો સાથે સંબંધો ખૂબ જ મજબૂત બનશે અને ભવિષ્યમાં નવી દિશાઓના આયામો ખુલશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ સમાપન કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયા, ભારત સરકારના શિક્ષણ સચિવ શ્રીમતિ અનિતા કરવાલ, ડાયરેકટર ઓફ ટેકનીકલ એન્ડ હાયર એજયુકેશન શ્રી નાગરાજન, શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.