માતાની સહી કરી દીકરીએ બેન્કથી ૨.૨૫ લાખ ઉપાડ્યા
અમદાવાદ, શહેરની એક બેંકમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડે તેવો આ છેતરપિંડીનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં ઘટના એવી બની હતી કે, માતાના બેંક એકાઉન્ટના ચેકમાં ખોટી સહીઓ કરી પુત્રીએ ૨.૨૫ લાખ રૂપિયા ઉપાડી લીધા છે. જે બાદ સહીઓમાં ફેર આવતા તે બાબતે બેંક દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી અને આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. જેથી બેંકના મેનેજર વેજલપુર પોલીસ સ્ટેશનમાં બેન્ક ધારકની પુત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પાલડીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવેશભાઈ વેજલપુર એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી એસબીઆઇ બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની બ્રાંચમાં ૪૫,૦૦૦ જેટલા ખાતા છે. જેમાં સમીમ બાનુ શેખનું પણ એક સેવિંગ એકાઉન્ટ છે જે એકાઉન્ટ વર્ષ ૨૦૧૭થી ખોલાવવામાં આવેલુ છે.
ગત તારીખ ૨ માર્ચના રોજ સમીમબાનુએ બેંકને લેખિત અરજી કરી હતી કે, તેમના એકાઉન્ટમાંથી ચાર ચેક ઉપર અલગ અલગ તારીખે તેમની દીકરી અમરીન બુખારીએ ખોટી સહીઓ કરી તેમના ખાતામાંથી ૨.૨૫ લાખ જેટલા રૂપિયા ઉપાડી લીધા છે. જેથી બેંકે આ અમરીને આપેલા ચાર ચેકની સહીઓ જોતા ખાતાધારક સમીમ બાનુની સહીના નમુનાના હસ્તાક્ષર પ્રમાણે ચેક પર સહી કર્યા હોવાનું જણાયું હતું. જોકે, ચેક ક્લિયરિંગ સમયે કોઇ ગેરસમજ થઇ ન હતી. બંને મા-દીકરી અનેક વખત સાથે બેન્કમાં પૈસા ઉપાડવા પણ આવે છે. જેથી બેંક ધારકની પુત્રીને ચાર ચેક ઉપર કેશિયરે નાણાં આપ્યા હતા.
જોકે, આ બધી બાબતો વચ્ચે બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ચેક નિષ્ણાત પાસે મોકલ્યા હતા. જે તપાસ બાદ નિષ્ણાત ડોક્ટર એક અભિપ્રાય આપી ચેક પર સહીઓ અમરીનની જ હોવાનું જણાવ્યું. તેથી અન્ય કોઈ નહીં પરંતુ બેંક ધારકની પુત્રીએ ખોટી સહીઓ કરી બેંક સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS