Western Times News

Gujarati News

માતાનું મોત થતાં ત્રણ ભાઈ-બહેન વિખૂટાં પડી ગયા

સુરત, પતિ-પત્નીના ઝઘડામાં મોટાભાગે બાળકોને સહન કરવાનું આવતું હોય છે. આવો જ એક કિસ્સો સુરતના ત્રણ માસૂમ બાળકો સાથે બન્યો છે. પત્ની જ્યારે ત્રીજા બાળકને જન્મ આપવાની હતી એ સમયે પતિ તરછોડીને જતો રહ્યો. એ પછી બાળકીને જન્મ આપ્યાના ગણતરી કલાકમાં પત્નીનું મોત થઈ ગયું. માતાના મૃત્યુથી એક ભાઈ અને બે બહેનો નોંધારા બની ગયાં અને હાલમાં ત્રણેયને એકબીજાથી અલગ-અલગ રહેવા મજબૂર થવું પડ્યું છે. આ ઘટના લસકાણા ડાયમંડનગરના એક બિહારી પરિવારની છે.

મૂળ બિહારના વતની રંજનદેવી કનૈયાલાલ સિંહ તેમના પતિ, ૧૨ વર્ષની પુત્રી અને ૧૦ વર્ષના પુત્ર સાથે રહેતા હતા. દરમિયાનમાં ચાર મહિના પહેલા રંજનદેવીનો પતિ કોઈ કારણસર પરિવારને છોડીને જતો રહ્યો. જાેકે, રંજનદેવીએ નાસીપાસ ન થયા અને બાળકોની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. રાત-દિવસ કાળી મજૂરી કરી તેઓ બાળકોનું ભરણપોષણ કરવા લાગ્યા.

પરંતુ, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ગત ૨ સપ્ટેમ્બરે રંજનદેવીને સગર્ભાવસ્થાના આઠમા મહિને પ્રસૂતિની પીડા શરૂ થઈ. તેમને પડોશીઓની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં બાળકીનો જન્મ થયો હતો.

જાેકે, બાળકીના જન્મની સાથે રંજનદેવીનું મોત થઈ ગયું હતું. આમ, ત્રણેય બાળકો પર અચાનક જ દુઃખોનો પહાડ તૂટી પડ્યો. આટલું ઓછું હોય તેમ બાળકોના સ્વજનોએ પણ તેમની જવાબદારી ઉઠાવવાનો ઈનકાર કરી દીધો. સરથાણા પોલીસના જણાવ્યા મુજબ, આ બાળકોનું સુરતમાં કોઈ સ્વજન નથી.

તેથી બિહારમાં તેમના સ્વજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતક રંજનદેવીની બહેનનો પોલીસે સંપર્ક કર્યો હતો. પોલીસે તેમને સુરત આવવા અને બિહાર પાછા જવાની ટિકિટના રૂપિયા તેમજ રંજનદેવીના મૃતદેહને વતન લઈ જવા માટે એમ્બુલન્સના ભાડાના રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ પહેલા તૈયારી દર્શાવ્યા પછી બાદમાં રંજનદેવીની બહેને આવવાનો ઈનકાર કરી દીધો હતો.

જેને પગલે ત્રણેય બાળકોને એકબીજાથી વિખૂટા પડવું પડ્યું છે. હાલમાં નવજાત બાળકીને માતાના ધાવણની જરૂર હોવાથી હોસ્પિટલમાં આવેલી મિલ્ક બેંકમાંથી ધાવણની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ તેણીની સાર-સંભાળ રાખી રહ્યા છે. જ્યારે મૃતક રંજનદેવીની ૧૨ વર્ષની દીકરીને આશ્રમમાં દાખલ કરાવાઈ છે, જ્યારે ૧૦ વર્ષના પુત્રને શિશુગૃહમાં મોકલી અપાયો છે.

પોલીસ પાંચથી સાત દિવસ સુધી રંજનદેવીના સંબંધીઓની રાહ જાેશે અને જાે તેઓ મૃતદેહનો કબજાે સ્વીકારવા નહીં આવે, તો જરૂરી કાર્યવાહી કરી પોલીસ તેમની અંતિમ વિધિ કરી દેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.