Western Times News

Gujarati News

માતાને ચોથા માળેથી ફેંકીને હત્યા કરનારને આજીવન કેદ

રાજકોટ : પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હતા. જેઓ વ્યવસાયે શિક્ષિકા હતા.

૩ વર્ષ પહેલા નિવૃત શિક્ષિકા જયશ્રીબેન વિનોદભાઈ નથવાણી વહેલી સવારે ચોથા માળની અગાસી પરથી પડી ગયા હોવાની જાણ થતાં પોલીસનો કાફલો તરત ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે પૂછપરછ કરતાં બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર તેમના દીકરા સંદીપ નથવાણીએ પોતાની માતા અગાસી પરથી આકસ્મિક રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

જાે કે, વૃદ્ધાના દીકરાએ બીમાર માતાને એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાની અને બાદમાં ઘટનાને આકસ્મિક ઘટનામાં ખપાવવા સ્ટોરી ઉભી કરી હોવાની પોલીસમાં નનામી અરજી થઈ હતી. જેના આધારે ડીસીપી કરણરાજ વાઘેલાએ તપાસ હાથ ધરતાં સીસીટીવી ફૂટેજમાં સંદીપની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો અને કેસ આકસ્મિક નહીં પરંતુ હત્યાનો હોવાનો સામે આવ્યું હતું.

પોલીસે કડક પૂછપરછ કરતાં સંદીપે જણાવ્યું હતું કે, મારી માતા પથારીવશ હોવાથી તેમને સેવાને લઈને પત્ની સાથે માથાકૂટ થતી હતી. હું કોલેજ જતો ત્યારે પત્નીનો ફોન આવતો હતો કે મમ્મી માથાકૂટ કરે છે. સતત ઝઘડા થતા હતા અને મારા મમ્મી પણ કકળાટ કરતાં હોવાથી હું કંટાળી ગયો હતો. તેથી, મેં છૂટકારો મેળવવા તેમને અગાસીમાં વોકિંગ કરાવવા અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવા માટે લઈ ગયો હતો.

બાદમાં તેમને નીચે ધક્કો મારી દીધો હતો. માતાની હત્યા કરનાર પુત્ર સામે હત્યાનો કેસ ઉપર ચાલવા આવતા ફરિયાદી, ડોક્ટર, પોલીસ, ફ્લેટ ધારકો, આરોપીની બહેન અને બનેવી સહિત ૨૮ લોકોના મૌખિક પુરાવા અને રેકોર્ડ પરની તમામ હકીકતો ધ્યાનમાં લઈને એડિશન ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ પી.એન. દવેએ કપૂત સંદીપ નથવાણીને હત્યાના ગુનામાં આજીવન કેદનો ચૂકાદો સંભળાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ તે સમયે ચકચાર મચાવ્યો હતો. સંદીપ તેની બીમાર માતાને પકડીને સીડીથી ઉપર જઈ રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.