માતા-પિતાએ નંબર વિનાની કારમાં પુત્રીનું અપહરણ કર્યું
સુરત, વરાછામાં રહેતી ૧૯ વર્ષીય યુવતીના અમરોલીમાં રહેતા યુવાન સાથે પ્રેમસંબંધ હતા. જેથી યુવતીએ એક મહિના પહેલાં યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. દીકરીએ પ્રેમલગ્ન કરતા તેના માતા-પિતા આ વાતથી નારાજ હતા. જેથી યુવતીના માતા-પિતાએ તેમના સાગરિતો સાથે મળીને નંબર વિનાની કારમાં દીકરીનું અપહરણ કર્યું હતું. એટલું જ નહીં માતા-પિતા મોટા વરાછામાં રહેતા હોવાથી ઘરે તાળુ મારીને ભાગી ગયા હતા. આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસ પણ દોડતી થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, વરાછાની પુનિત ધામ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી હેમાંશી અને અમરોલીના સાંઈ લક્ઝુરિયામાં રહેતા ૨૨ વર્ષીય પ્રિંકેશ વચ્ચે પ્રેમસંબંધ હતા. તેઓએ ગઈ ૩૦ માર્ચના રોજ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ હેમાંશી પ્રિંકેશના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.
આ બંને વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. જાે કે, યુવતીના માતા-પિતાને તેઓનો પ્રેમસંબંધ જરાય મંજૂર નહોતો. જેથી બંનેએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ વાતથી યુવતીના માતા-પિતા નારાજ હતા. ગઈ ૩ મેના રોજ પ્રિંકેશ પોતાના પિતાની સાથે કતારગામમાં આવેલા હીરાના કારખાનાએ નોકરી ગયો હતો.
એ સમયે તેના ઘરમાં તેની પત્ની હેમાંશી, બહેન અને ફોએ એકલા હતા. એ સમયે તકનો લાભ લઈ ફ્લેટ જાેવાના બહાને હેમાંશીના માતા દીપાલીબેન અને પિતા રાજેશ કનુ ભાતિયા અજાણ્યા લોકોની મદદથી ફ્લેટમાં બળજબરી ઘૂસ્યા હતા. બાદમાં ફ્લેટના બેડરૂમમાં સૂઈ રહેલી હેમાંશીને બળજબરીપૂર્વક ઉંચકીને ફ્લેટ નીચે પાર્ક કરેલી નંબર વગરની કારમાં બેસાડી અપહરણ કરીને ભાગી ગયા હતા.
જાે કે, આ ઘટનાના પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ અપહરણકારો ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. અપહ્યત હેમાંશીને છોડાવવા માટે પોલીસ મોટા વરાછામાં આવેલા ભાતિયા પરિવારના ઘરે પહોંચી હતી.
પરંતુ તેમના ઘરે તાળુ મારેલું હતું. પોલીસે તેમના વતન અમરેલીમાં પણ તપાસ કરી હતી પણ તેઓ ત્યાં પહોંચ્યા નહોતા. જે બાદ મામલો ગંભીર બન્યો હતો. આયોજનબદ્ધ રીતે હેમાંશીનું અપહરણ કરીને તેના માતા-પિતા તેને અલગ જ જગ્યાએ લઈ ગયા હોવાની આશંકાના પગલે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.SSS