માતા-પિતાના છૂટાછેડા પછી બાળકો પ્રભાવિત થાય છે
નવી દિલ્હી: માતા-પિતાના છૂટાછેડા થાય અથવા લગ્નજીવનમાં વિખવાદ થાય ત્યારે સૌથી વધારે નુકસાન તેમના બાળકોને થતું હોય છે. આ પ્રકારના કેસમાં બાળકોની માનસિક સ્થિતિ ઘણી પ્રભાવિત થતી હોય છે. આટલુ જ નહીં, બાળકોના ઉછેર પર પણ ઘણી અસર થતી હોય છે. માતા-પિતાને અલગ થતાં જાેનારા બાળકો સમય કરતાં પહેલા મોટા થઈ જાય છે અને ગંભીર પણ થઈ જાય છે. આવો જ એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં જાેવા મળ્યો છે. ૧૩ વર્ષની ટીનેજ છોકરી નિશાએ હાઈકોર્ટના જજને કહ્યું કે, હું અત્યારે નવમા ધોરણમાં ભણી રહી છું પરંતુ મારું સપનું વૈજ્ઞાનિક બનીને નાસામાં જાેડાવવાનું છે. હાઈકોર્ટ પણ દીકરીના આ જવાબથી પ્રભાવિત થઈ ગઈ હતી અને આદેશ કર્યો હતો કે આવી સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતી બાળકીની મનોસ્થિતિ પર કોઈ અવળી અસર ના પડે તે સુનિશ્ચિત કરવામાં આવે.
હાઈકોર્ટના જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ બી.એન.કારિયાએ નિશાનો આ જવાબ સાંભળીને પોતાના આદેશમાં નોંધ્યું કે, ફેમિલી કોર્ટના આદેશ મુજબ બાળકીના પિતાને વિઝિટેશન માટેના અધિકાર આપવામાં આવ્યા છે, પરંતુ આ કેસમાં મનોવૈજ્ઞાનિકના રિપોર્ટ પરથી જણાઈ રહ્યું છે કે પિતાના આ અધિકારોનો અમલ કરવામાં આવશે તો બાળકીને અવળી માનસિક અસર થઈ શકે છે. તે અત્યારે જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરંતુ જીવન પ્રત્યેની તેની સમજ સ્પષ્ટ અને યોગ્ય છે.
નવમા ધોરણમાં ભણતી હોવા છતાં સપના વૈજ્ઞાનિક બનવાના જાેઈ રહી છે. તે યુવાની તરફ આગળ વધી રહી છે ત્યારે કોર્ટ તેની માનસિક શાંતિ અને સંતુલન અસ્થિર કરવા નથી ઈચ્છતી. ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું કે, દીકરી અત્યારે પોતાની માતા અને તેના બીજા પતિ સાથે અંબાજી રહે છે. આ કુટુંબ સુખી-સંપન્ન જણાઈ રહ્યું છે. તેઓ દીકરીના હિત અને કલ્યાણને સુનિશ્ચિત કરશે તેમ લાગી રહ્યું છે. માટે ફેમિલી કોર્ટે દીકરીના પિતાને મુલાકાતના જે હક આપ્યા હતા તે રદ કરવાનો આદેશ આપ્યો છે. નિશા પુખ્તવયની થાય ત્યારે પિતા સાથે બોલવા અને મળવા અંગેના ર્નિણય જાતે લઈ શકે છે.