માતા-પિતાની રાહ જોતા બાળકનું ૧૪મા માળેથી પટકાતાં મોત
ગાઝિયાબાદ, ગાઝિયાબાદના પોલીસ સ્ટેશનના સિહાની ગેટ વિસ્તારના પોશ એરિયામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ટાવરમાં ચૌદમા માળે રહેતા લગભગ ૪ વર્ષના માસૂમ બાળકનું ઘરની બાલકનીમાંથી નીચે જમીન પર પટકાવાથી કમકમાટી ભર્યું મોત થઇ ગયું છે. જો કે આજુબાજુના લોકો તાબડતોડ તેને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડૉકટર્સે તેને મૃત જાહેર કરી દીધો. આ દર્દનાક અકસ્માત બાદથી પરિવાર સિવાય સોસાયટીમાં પણ માતમ છવાયેલો છે.
કોલોનીમાં રહેતા સીમા નામની મહિલાએ કહ્યું કે નવનીતકુમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારની સાથે ૧૪મા માળ પર આવેલા એક ફ્લેટમાં રહે છે. મોડી સાંજે નવનીત અને તેમની પત્ની કોઇ કામથી બજાર ગયા અને પોતાના ચાર વર્ષના દીકરા તેજસને ઘરેમાં જ એકલો મૂકીને ગયા હતા. તેજસ બાલકનીમાં ૨ સ્ટુલ લગાવીને નીચેની તરફ પોતાના મમ્મી-પપ્પાની રાહ જોઇ રહ્યો હતો. અચાનક બાળકનું સંતુલન બગડયું અને તે પોતાના ઘરની બાલકનીમાંથી નીચે પડી ગયો અને મોત થઇ ગયું.
કહેવાય છે કે બાળક નીચે પડ્યો તો આજુબાજુના લોકો પણ દોડીને ત્યાં આવી ગયા અને બાળકને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં સુધીમાં બાળળ જિંદગી હારી ચૂકયો હતો. સીમાએ કહ્યું કે આ દર્દનાક અકસ્માત બાદ આખી કોલોનીમાં શોક છવાયેલો છે.
આ કેસની માહિતી આપતા એસપી સિટી અભિષેક વર્માએ કહ્યું કે માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. તેમણે કહ્યું કે શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે બાળક ઘરે એકલું હતું અને તેના પપ્પા-મમ્મી બજારમાં ગયા હતા. જે બાલકનીમાંથી બાળક પડ્યું છે. એ બાલકનીમાંથી બે સ્ટુલ પણ મળ્યા છે. અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે બાળક સ્ટુલ લગાવીને પોતાના મમ્મી-પપ્પાને જોઇ રહ્યો હતો આ દરમ્યાન આ દર્દનાક ઘટના બની છે.SSS