માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ દુષ્કર્મ કરતો હતો

Files Photo
અમદાવાદ: અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.. જેમાં સગા મોટા ભાઈએ ૧૫ વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ધટના બની છે. માતા-પિતા ન હોવાથી ભાઈ -ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ કુકર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના મકરબામાં રહેતી ૧૫ વર્ષીય સગીરાએ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
૧૫ વર્ષની સગીરાનાં માતા પિતા આ દુનિયામાં ન હોવાથી તે પોતાના એક માત્ર મોટાભાઈ સાથે મકરબામાં વિસ્તારમાં રહેતી હતી.ત્યારે અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સુતા હતા ત્યારે તેના મોટા ભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચ્યું હતું.
સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી નહતી.અને તે બાદથી સગો ભાઈ અવારનવાર સગીરા એકલી હોય ત્યારે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો. જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી સગીરા માસિક ધર્મમાં ન આવતા તેના ભાભીએ તેને ફોસલાવીને પૂછપરછ કરતા સગીરાએ મોટા ભાઈના દુષ્કૃત્ય અંગે ભાભીને જણાવ્યું હતું.
જે બાદ સગીરા તેના ભાભી સાથે સરખેજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશાનો બંધાણી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસે આરોપી અને ફરિયાદીના મેડિકલ રિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરી છે.