માતા બની ક્રુર: પોતાની જ 9 મહિનાની બાળકીને ઢોરમાર માર્યો
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર નવ મહિનાની બાળકીને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકીને ખોળામાં લઈને બેઠેલી તેની માતા તેને એક પછી એક થપ્પડ મારી રહી છે.
આ દરમિયાન તેણીએ તેનું ગળું પણ દબાવે છે. સાથે જ તે બાળકીના પેટ પર પણ મુક્કા મારે છે. આ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાનો છે.
45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચૂપ કરાવે છે, પરંતુ તે ચૂપ નથી થતો. એને કારણે મહિલા તેને ક્રૂરતાપૂર્વક માર મારે છે.
તેના ચહેરા પર તમાચા પણ મારે છે. તેને ઉપાડી ઉપાડીને એક વખત નહીં, પણ ત્રણ વખત પછાડે છે. તેની સામે બીજી એક મહિલા પણ બેઠેલી જોવા મળી છે, જે પણ તેને અટકાવતી નથી. વીડિયો બનાવનારી વ્યક્તિ પણ રૂમમાં જ બેઠી છે, જે આ ક્રૂર મહિલાનો નજીકની જ છે.
હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને મહિલાને ટ્રેસ કરી હતી અને બાળકીને તેના પિતાને સોંપી હતી.
આરોપી મહિલાનો પતિ આ વિસ્તારમાં શાકભાજીનો સ્ટોલ લગાવે છે. હવે પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વીડિયો કોણે અને કયા ઈરાદાથી વાયરલ કર્યો છે.
બાળકને માર મારવાનો વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં ભારે રોષ છે અને પ્રતિક્રિયા વ્યક્ત કરતાં આરોપી મહિલાની ધરપકડની માગ કરી હતી. પોલીસે વાઇરલ વીડિયોને સાચો છે કે નહીં એ અંગે ખરાઈ કર્યા બાદ આરોપી મહિલાની ધરપકડ કરી છે.