માતા બાદ એક પછી એક પાંચ પુત્રોનું પણ કોરોનાથી મૃત્યુ
દેશની પહેલી ઘટના !
રાંચી: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાચરસના વિનાશથી ઝારખંડનો આખો પરિવાર તબાહ થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે એક જ પરિવારના ૬ સભ્યોના મોત નીપજ્યા છે. માતાને કાંધ આપનારા પાંચ પુત્રોનું પણ એક પછી એક મોતને ભેટ્યા છે. આ પરિવારના છઠ્ઠા સભ્યનું ૧૫ દિવસની અંદર અવસાન થયું છે. મૃતક મહિલાના બીજા પુત્ર ઉપરાંત પરિવારના અન્ય ઘણા સભ્યો પણ બીમાર હોવાનું જાણવા મળ્યું છે. સંભવતઃ દેશમાં આ પ્રકારની એકમાત્ર ઘટના છે, જેમાં કોરોનાથી એક પરિવારના ૬ લોકોનાં મોત નીપજ્યાં છે.
આ ઘટના ધનબાદના કટરાસ વિસ્તારની છે. રાની બજારમાં રહેતા એક પરિવારના છઠ્ઠા સભ્યનું સોમવારે કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ૪ જુલાઈએ સૌથી પહેલા ૮૮ વર્ષીય માતાનું બોકારો સ્થિત એક નર્સિંગ હોમમાં થયું હતું. ટેસ્ટ કરતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમના એક પુત્રનું રાંચીની રિમ્સ કોવિડ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. થોડા દિવસો બાદ સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા પુત્રનું પણ મોત થયું હતું.
ત્રીજા દીકરાને ધનબાદના ખાનગી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દાખલ કરાયો હતો, જ્યાં અચાનક જ તબિયત લથડતા તે પણ મોતને ભેટ્યો હતો. તેનો ડ્રાઈવર તેને પીએમસીએચ લઈ ગયો, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ૧૬ જુલાઇએ જમશેદપુર ખાતે કેન્સરગ્રસ્ત રોગની સારવાર દરમિયાન ચોથા પુત્રનું પણ મોત નીપજ્યું હતું.
પાંચમા પુત્રને પણ ધનબાદની કોવિડ હોસ્પિટલમાં રિફર કર્યા બાદ રિમ્સ રાંચીમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ રીતે એક વૃદ્ધ મહિલા અને તેના પાંચ પુત્રોનું મૃત્યુ કોરોના વાયરસના ચેપને કારણે મોત થયું છે. જાેકે, હજી પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જૂન મહિનામાં મહિલા લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હીથી કટરાસ સ્થિત તેમના ઘરે આવી હતી. તે પછી અચાનક જ તબિયત લથડતા તેમને બોકારોની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મોત બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગયા મહિને લગ્ન પ્રસંગને કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો. હસત ખેલતા પરિવારમાં આનંદ છવાયેલો હતો. પરંતુ એક પખવાડિયામાં જ આ પરિવારના ૬ સભ્યો અકાળે મૃત્યુ પામ્યા છે.