માતા યશોદા એવોર્ડ મેળવનાર આંગણવાડી-નારગોલની બહેનોનું સન્માન કરાયું
રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને પોતાના બાળકોને જેમ કાળજી રાખી માતા યશોદાની જેમ ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી નવાજિત કરવામાં આવે છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ-નવાતળાવ-૧માં ફરજ બજાવતી આંગણવાડી વર્કર લક્ષ્મીબેન રાઉત તેમજ તેડાગર વાસંતીબેન ભરતભાઇ વારલીને રાજ્યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આ એવોર્ડ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અને મહિલા સંમેલન દરમિયાન એનાયત કરાયો હતો. આ બહેનોને વધુ પ્રોત્સાહન મળે તેમજ જિલ્લાની આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો તેમાંથી પ્રેરણા મેળવે તે હેતુસર પારડી ખાતે યોજાયેલા સુપોષણ ચિંતન સમારોહમાં વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. મંત્રીશ્રીએ આ બન્ને બહેનોની સેવાભાવનાને બિરદાવી જીવનમાં વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.