Western Times News

Gujarati News

માત્ર આઠ દિવસમાં કોરોનાને મ્હાત આપતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ શિવાનીબેન

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારા માટે ભગવાનનું મંદિર, આ મંદિરમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ મારા આરાધ્યદેવ છે… આ શબ્દો છે સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ શિવાનીબેન પરમારનાપ શિવાનીબેન છેલ્લા ૩ મહિનાથી સિવિલ હોસ્પિટલના ડી-૯ આઈસોલેશન વોર્ડ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યાં છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં તેઓ કોરોના પોઝિટિવ થયાં હતાં. આ ઉપરાંત તેઓ ડેડિકેટેડ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખાતે પણ ફરજ બજાવતાં હતાં. શિવાનીબેનની સાથે તેમના પતિ પણ કોરોના પોઝેટિવ થયાં હતાં.

તા. ૨૧ એપ્રિલના ના દિવસે કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતાં શિવાનીબેન ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયાં હતાં. શિવાનીબેન જણાવે છે કે, સિવિલ હોસ્પિટલના ડાક્ટર્સ, પેરામેડિકલ અને અન્ય કર્મીઓએ મારી ખૂબ જ સારી સાર-સંભાળ રાખી હતી. તા. ૨૭ અને ૨૮ એપ્રિલ એમ બંન્ને દિવસ સતત બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં હતાં. ૧૪ દિવસ કોરન્ટાઈન થયાં પછી તેઓ પુનઃ ફરજ પર હાજર થઈને કોવિડ અને નોન-કોવિડ બંન્ને હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યાં છે.

આમ માત્ર છ દિવસમાં કોરોનાને હરાવીને ઘરે પરત ફરેલાં સ્ટાફ નર્સ શિવાનીબેન જણાવે છે કે, કોરોનાને હરાવવા માટે આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. કોરોનાને પરાસ્ત કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે. આપણે સૌએ કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હુંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ આપણે ચોક્કસથી જીતી જઈશું.

શિવાનીબેને વધુમાં જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે મને પણ દેશવાસીઓની સેવા કરવાનો મોકો મળ્યો છે તે માટે મારી જાતને હું ભાગ્યશાળી માનું છું. આ રીતે કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ શિવાનીબેને પુરું પાડ્‌યું છે. તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી, ૨૦૨૦ માં સિવિલ હોસ્પિટલ ખાતે આગ લાગી હતી તે સમયે શિવાનીબેન ફરજ પર હતા ત્યારે તેમણે સમયસૂચકતા દાખવીને દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્‌ટ કર્યા હતા.

આમ, શિવાનીબેને પોતાના જાનના જોખમે દર્દીઓને બચાવી લીધા હતા. પોતાના જાનના જોખમે દર્દીઓની સેવા કરવાના આવા અભિગમને કારણે જ આજે તબીબી વ્યવસાય ઉજળો છે. દર્દીઓની સેવાના મસિહા એવા ફ્‌લોરેન્સ નાઇટેંગલના વારસાને તેમના જેવી ર્નસિંગ પ્રવૃત્તિઓથી જ લોકોની આસ્થા તબીબી વ્યવસાયમાં ટકી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.