માત્ર બે વર્ષમાં ૧૧૦૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો બનાવાશે
અમદાવાદ, દેશના કરોડો ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સવલતો પૂરી પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો રાજ્યના નાગરિકોને સમયસર મળી રહે તે માટે ટીમવર્કથી કામ કરીને તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ બનાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય કર્મીઓને આહવાન કર્યું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આજે એક વર્ષ પૂર્ણ થતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આયોજીત આયુષ્માન ભારત દિવસ ઉજવણી સમારોહમાં આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે, રાજ્યનો કોઇપણ ગરીબ-મધ્યમ વર્ગનો નાગરિક દવા, સારવાર કે પૈસાના અભાવે મોતને ભેટે નહીં તે માટે તેમણે તે સમયે ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના કાર્યાન્વિત કરી હતી. જે હેઠળ રૂપિયા ત્રણ લાખની વિનામૂલ્યે સારવાર અપાતી હતી. જે ખૂબ જ પ્રચલીત બનતા હાલ ગુજરાત મોડલ આધારિત આ યોજના સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રીએ અમલી બનાવી છે અને કરોડો પરિવારોને લાભો મળતા થયા છે.
આજે એક વર્ષ પૂર્ણ થયું છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને સત્વરે સારવાર મળી રહે એ માટે ઓપીડીના સમય દરમિયાન એટલે કે વર્કગ ટાઇમ દરમિયાન રાજ્યભરમાં ડાકટરોને લગતા કોઇપણ સેમિનારનું આયોજન કરાશે નહીં તથા રાજ્યભરમાં આગામી બે વર્ષમાં ૧૧ હજારથી વધુ હેલ્થ વેલનેસ સેન્ટર પણ વિકસીત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાય છે.
જેની સાથે રાજ્ય સરકારની ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાને જોડી દેવાઇ છે. આ માટે કેન્દ્ર સરકારે પણ મંજુરી આપી અને રાજ્યના સંવેદનશીલશીલ મુખ્યમંત્રીએ પણ જનહિતને ધ્યાને લઇને હવેથી ‘મા’, ‘મા વાત્સલ્ય’ અને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળના તમામ લાભાર્થીઓને રૂપિયા પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે કોઇ નાગરિક રહી ન જાય અને દરેક વ્યક્તિ પાસે આ યોજનાના કાર્ડ હોય એ માટે સૌએ સહીયારા પ્રયાસો કરવા પડશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના અંદાજીત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ૪ કરોડ વ્યક્તિઓને આવરી લેવાયા છે. જે પૈકી ૭૩.૮૯ લાખ કુટુંબો એટલે કે ૩.૭૦ કરોડ વ્યક્તિઓની નોંધણી પણ થઇ ગઇ છે.
રાજ્યમાં આ માટે ૨,૬૩૭ હોસ્પિટલો સાંકળી લેવાઇ છે અને અત્યાર સુધીમાં હ્રદય, કીડની, કેન્સર સહિત વિવિધ રોગોના ૮.૪૫ લાખ લાભાર્થીઓએ કુલ ૧૩૭૩.૬ કરોડના દાવા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને ૧૨ થી વધુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આગામી બે વર્ષમાં ૧૧,૦૧૭ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો વિકસાવવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ દેશભરમાં ૧,૫૦,૦૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે.