માત્ર મહારાષ્ટ્ર નહીં, ૧૦ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ ખરાબ
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી ફેલાયાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો. રસી બનાવી લેવામાં આવી છે અને વ્યાપક રસીકરણ ઝુંબેશ દ્વારા કરોડો લોકોને આપવામાં આવી રહી હતી. જેનાથી જેવું સામાન્ય જીવન ફરી પાટે ચડવા લાગ્યું કે ફરી એકવાર આ મહામારીએ માથું ઉંચકવાનું શરું કર્યું છે. જાેતજાેતામાં સ્થિતિ એ હદે બગડતી જાય છે કે ઘણી જગ્યાએ ફરીથી લોકડાઉન લગાવવાની નોબત આવી ગઈ છે.
મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુનો આશરો લેવામાં આવી રહ્યો છે. પંજાબના આઠ જિલ્લામાં પણ નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર સખત નિયમો લાગુ કરી રહ્યા છે અને રસીકરણને ઝડપી બનાવવાની જરૂરિયાત જાણવા મળી રહી છે. કદાચ આ જ કારણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે
જેમાં પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશની સૌથી ખરાબ પરિસ્થિતિ બની રહી છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કુલ કેસોમાં મહારાષ્ટ્રનો ભાગ ૬૧% છે. સોમવારે દેશભરમાં ૨૪,૪૫૮ કેસ નોંધાયા હતા, જે રવિવારે મળેલા ૨૬,૩૮૬ દર્દીઓ કરતા થોડો ઓછો હતો. જાે કે, નવા કેસોની સંખ્યામાં ઘટાડો સામાન્ય રીતે સોમવારે જાેવા મળે છે, જે આ સોમવારે થયો નથી. ગયા અઠવાડિયે સોમવારે આ અઠવાડિયાથી ૯૦૦૦ ઓછા કેસ નોંધાયા હતા. જાેકે, એવું નથી કે ફક્ત મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ચિંતાજનક છે.
ઓછામાં ઓછા ૧૦ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાછલા એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. કેરળ, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ રાજ્યોને બાદ કરતાં, દેશના બાકીના ભાગોમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મહારાષ્ટ્ર સિવાય પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં આ વધારો નોંધવામાં આવ્યો છે. હરિયાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને ચંદીગઢમાં પણ થોડી વૃદ્ધિ જાેવા મળી છે.
આ વર્ષની શરૂઆતમાં, દૈનિક ૧૦ હજાર કેસ સામે આવતા હતા જે હવે ૨૫ હજાર પર પહોંચી ગયા છે. ૮ થી ૧૫ માર્ચના સપ્તાહમાં અગાઉના અઠવાડિયા કરતા ૩૮,૭૧૪ કેસ વધુ સામે આવ્યા હતા. આ ગત વર્ષના ૭ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા સાપ્તાહિક કેસ પછી સૌથી મોટો વધારો છે. સપ્તાહમાં નોંધાતા કેસોની વાત કરવામાં આવે તો તે ગત વર્ષે ૮ થી ૧૪ જૂન ૨૦૨૦ના અઠવાડિયા પછી ૮ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના અઠવાડિયામાં સૌથી ઓછા થઈ ગયા હતા. ત્યારે એક અઠવાડિયામાં ૭૭ હજારથી વધુ કેસ નોંધાયા હતા.