માત્ર રૂ.૧૫ ની કેસ ફી ચૂકવી રૂ.૧૫ લાખ ચૂકવવા પડે એટલી સારવાર વિનામૂલ્યે મેળવી અને કોરોનામુક્ત થયા
આ આરોગ્ય મંદિર છે અને તબીબો અને સેવાભાવી સ્ટાફ ભગવાન બરોબર વંદનીય છે… રાજ્ય સરકારે જોઈએ તેટલી દવાઓ અને સાધન સુવિધાઓ આપી એટલે જ આટલી સારી સારવાર શક્ય બને છે….
સુખડીયા બંધુઓ વડોદરાનો સુખડીયા પરિવાર, જ્યારે કુટુંબના ૧૪ માં થી ૧૧ સભ્યો કોરોના પોઝિટિવ જણાયા ત્યારે ઘેરી ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જો કે આ પૈકી ૮ જણને પ્રભાવ સામાન્ય હતો ઍટલે ઘેર સારવાર પૂરતી હોવાથી થોડીક રાહત તો થઈ, પરંતુ પંકજભાઈ, અતુલભાઈ અને જીતેન્દ્રભાઈ, એ ત્રણેય ને અસર વધુ હતી ઍટલે હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી હતી.
વાત કંઈક આમ છે…વડોદરાના વરિષ્ઠ અને અનુભવી તબીબ ડો.જયેશ શાહ સાથે સુખડીયા પરિવારને ખૂબ ઘરોબો. એમણે સયાજી હોસ્પિટલમાં જ દાખલ થવાની સલાહ આપી. મેડિક્લેમ અને કોરોના પોલિસી પણ હતી.તેમ છતાં,સયાજીમાં જ દાખલ થવાનો નિર્ણય લીધો જે છેવટે સાચો અને સુયોગ્ય ઠર્યો.
પંકજભાઈ અને જીતેન્દ્રભાઈ દશ દિવસની સારવાર પછી કોરોનામુક્ત થઈ ઘેર આવ્યા. મોટા ભાઈ કો-મોર્બિડ હતા એટલે 21 દિવસ સારવાર ચાલી.પરંતુ સયાજીના તબીબોએ, આ ભાઈઓ રોગમુક્ત થયાની ખાત્રી પછી જ રજા આપી. રેમડેસીવિરના કોર્સ સહિત જરૂરી તમામ દવાઓ આપી.અને રજા આપતાં સમયે પણ વધુ દશ દિવસ ચાલે એટલી જરૂરી દવાઓ આપી.
પંકજભાઈ કહે છે કે, ‘ એક વ્યક્તિ ના રૂ.5 પ્રમાણે અમે ત્રણ ભાઈઓ રૂ.૧૫ ની સાવ નજીવી કેસ ફી ચૂકવીને દાખલ થયા હતા.
તેની સામે હું હિસાબ માંડુ તો મારા મોટાભાઈને ખાનગી દવાખાનામાં રૂ.10 થી 12 લાખ ચૂકવવા પડે એટલી અને બાકીના 2 ભાઈઓ ને અંદાજે ફૂલ રૂ.5 લાખ ચૂકવવા પડે એટલી સારવાર મળી… અને સહુ થી મોટા આનંદની વાત તો એ છે કે સાવ વિનામૂલ્યે સારવાર મળી અને રોગમુક્ત થઈને હેમખેમ ઘેર પાછા ફર્યા.
પંકજભાઈ લાગણીભીના અવાજે કહે છે, સયાજી હોસ્પિટલ એ ખરેખર તો આરોગ્ય મંદિર છે અને તેના ઉચ્ચ શિક્ષણ અને કુશળતા ધરાવતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ, સેવકો બધાં જ ભગવાનની બરોબર વંદનીય છે ,તેઓ તો એટલે સુધી કહે છે કે ચરણ સ્પર્શ ને યોગ્ય છે…
આ તમામ બાબતો નો યશ રાજ્ય સરકાર ને જાય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, ‘ તબીબો અને સ્ટાફ ગમે તેટલો કુશળ હોય,પરંતુ જરૂરી અને પૂરતી દવાઓ અને તબીબી સાધનો,સુવિધાઓ ના હોય તો લાચાર બની જાય.રાજ્ય સરકારે ખૂબ છુટા હાથે આ બધી વ્યવસ્થાઓ કરી એટલે જ આટલી સારી સારવાર શક્ય બની છે….’
સુખડીયા પરિવાર એક અનિવાર્ય કૌટુંબિક પ્રસંગ નિમિતે એકત્ર થયો, માત્ર ૪૦ જેટલા લોકો બધી કાળજી લઈ પ્રસંગમાં જોડાયા તેમ છતાં, પરિવારના સભ્યો ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થયાં એ હકીકત સહુ ની આંખ ખોલનારી છે અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની અગત્યતા સમજાવે છે.
તેઓ કહે છે કે સરકારી દવાખાનાઓમાં હોય છે તેટલો ઉચ્ચ શિક્ષિત અને તાલીમબદ્ધ સ્ટાફ અન્ય દવાખાનાઓમાં નથી હોતો. આ સ્ટાફની કુશળતા જ રોગ સામેની લડાઈમાં તેમને જીત અપાવે છે.
તબીબો અને કર્મચારીઓ હાલમાં દશ થી બાર કલાક તો ફરજો બજાવે જ છે. જરૂર પડ્યે ફરજ નો સમય ૧૬ થી ૧૮ કલાક પણ લંબાઈ જાય છે તેમ છતાં, કોઈ કંટાળા કે અણગમા વગર ફરજ બજાવે છે. આ ફરજો દરમિયાન ઘણાં જાતે કોરોનાગ્રસ્ત બન્યા તો પણ સાજા થઈ પાછા ફરજ પર જોડાઈ ગયા. ઘણાંના કુટુંબીજનોને પણ કોરોના થયો.પરંતુ કોઇએ ફરજમાં પાછી પાની કરી નથી.
પંકજભાઈ કહે છે કે દરેક સાથે આ લોકો ખૂબ સૌજન્ય અને વિવેકથી વર્તે છે. અહીં બે ટાઇમ ભોજન,નાસ્તો,ચા અને દૂધ મળે છે.પીવા માટે ૫૦૦ એમ.એલ.ની વોટર બોટલ છૂટથી મળે છે.પછી બીજું શું જોઈએ…?
આ આરોગ્ય મંદિર છે અને તેની સારવાર રૂપી પ્રસાદથી અમારા જીવનની રક્ષા થઈ છે, અમે ખરેખર ધન્ય થઈ ગયાં છે એવી લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ‘દર્દીઓની સંખ્યા ધાર્યા કરતાં ખૂબ વધારે છે ત્યારે ક્યાંક, કોઈ ઇરાદા વગર નાની મોટી ચૂક થઈ જાય તો તેને આધારે આ લોકોની સેવાને મુલવવી ઠીક નથી. કપરા સંજોગો અને ચેપનું જોખમ વહોરી આ લોકો જે અવિરત સેવાઓ આપી રહ્યાં છે એ વંદનીય છે,હું અને મારો પરિવાર સહુને દિલ થી વંદન કરીએ છે…’ એમ તેઓ ઉમેરે છે…