માત્ર ૨૫ ટકા ડ્રાઇવરો જ સીટ બેલ્ટો પહેરે છે : સર્વે
નવી દિલ્હી, દેશની અગ્રણી ઓટોમોબાઇલ્સ કંપની મારુતિ સુઝુકિના સર્વેમાં જાણવા મળ્યું છે કે, કારમાં બેસનાર ચાર પૈકીના સરેરાશ એક દ્વારા જ સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુરક્ષા ટેકનોલોજીનો ઉપયોગને લઇને જે આંકડા સપાટી ઉપર આવ્યા છે તે ખુબ જ નિરાશાજનક રહ્યા છે. સર્વેમાં ખુલાસો થયો છે કે, ડ્રાઇવિંગ કરતી વેળા સીટ બેલ્ટ બાંધવા જેવા જરૂરી નિયમની અવગણના કરવાના મામલામાં મહિલાઓ પુરુષો કરતા વધારે લાપરવાહ બની ગઈ છે. ૮૧ ટકા મહિલાઓ આ નિયમોને તોડે છે જ્યારે પુરુષોમાં આ ટકાવારી ૬૮ ટકાની છે. મારુતિ સુઝુકિએ સીટબેલ્ટ યુઝ ઇન્ડિયા નામથી દેશના ૧૭ શહેરોને આવરી લઇને સર્વે કામગીરી હાથ ધરી હતી. આ સર્વે ૨૫૦૦ ડ્રાઇવરો અને પેસેન્જરોને લઇને કરવામાં આવ્યો હતો જેમાં એવી બાબત પણ સપાટી ઉપર આવી છે કે, સીટબેલ્ટ જરૂરી વાળા નિયમ માટે કઠોર નિયમની જરૂર છે.
પોલીસને સીટબેલ્ટ નહીં લગાવનાર લોકોની સામે કઠોર પગલા લેવા જોઇએ. તેમના પર દંડ ફટકારવાની જરૂર છે. એટલું જ નહીં સીટબેલ્ટ લગાવવાના મામલામાં દિલ્હી અને એનસીઆરને મેરઠે પછડાટ આપી દીધી છે. મેરઠ આ સેફ્ટિક ફીચરના ઉપયોગના મામલામાં દિલ્હી-એનસીઆરના ડ્રાઇવરોથી ખુબ આગળ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં સીટબેલ્ટ નહીં પહેરવાના કારણે ૫૬૩૮ માર્ગ અકસ્માતો થયા હતા. ગ્લોબલ અભ્યાસ દર્શાવે છે કે, સીટબેલ્ટ પહેરવાની સ્થિતિમાં અકસ્માતમાં મોતની આશંકા ૪૫ ટકા સુધી ઘટી જાય છે. એટલું જ નહીં ગંભીર રીતે ઘાયલ થવાની આશંકામાં પણ ૫૦ ટકાનો ઘટાડો થઇ જાય છે. સીટ બેલ્ટ નહીં પહેરનાર લોકો કોઇ અકસ્માતમાં વાહનની બહાર આવી જવાનો ખતરો સીટબેલ્ટ પહેરનારની સરખામણીમાં ૩૦ ગણો હોય છે.