માત્ર ગણતરીની મિનિટોમાં કોરોનાના દર્દીનો મળે છે HRCT રિપોર્ટ
સુરત: કોઈપણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શરીરમાં કોરોનાની હાજરી માટે જે રીતે એચઆરસીટી (HRCT) ટેસ્ટ જરૂરી છે, એ જ રીતે કોરોનાથી શરીરમાં કેટલાં પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે
એ જાણવાં રેડિયોડાયગ્નોસીસનું આગવું મહત્વ છે. જેથી દર્દીને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. નવી સિવિલના રેડિયોડાયગ્નોસીસ વિભાગે કોરોનાની બન્ને લહેરમાં સિટી સ્કેન, એક્સ-રે તથા સોનોગ્રાફીની ૨૪ કલાક- રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન-સારવારમાં આગવું યોગદાન આપ્યું છે.
અહીંના સ્ટાફે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ૩૬,૫૭૨ એક્સ-રે, ૧૪૮૪ સિટી સ્કેન, ૨૪૭૨ સોનોગ્રાફી કરી છે. ઉપરાંત, મ્યુકર માઈકોસિસના ૨૦૦, એમઆરઆઈ ૯૭ અને કલર ડોપ્લરના ૭૮ રિપોર્ટ પણ કરાયા છે. વિભાગના કુલ ૮૪ જેટલા કર્મયોગીઓમાં ૭૦ ટકા મહિલાઓ ફરજ નિભાવી રહ્યાં છે,
જેમણે દિવસરાત જાેયા વિના ઈમેજિંગની કાબિલેદાદ કામગીરી નિભાવી છે. સુરતની નવી સિવિલમાં રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું કંપનીનું ૨૫૬ સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર ૦૫ મિનિટમાં કોવિડ દર્દીનો એચઆરસિટી રિપોર્ટ આપે છે.
સુરત સિવાય રાજ્યની અન્ય કોઈ પણ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારનું અદ્યતન મશીન ઉપલબ્ધ નથી. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા અને તેમના ઝડપી નિદાન માટે આ મશીન આશીર્વાદરૂપ બન્યું છે. રેડિયોડાયગ્નોસીસ અને ઈમેજિંગ વિભાગના વડા અને પ્રોફેસર ડો. પૂર્વી દેસાઈ જણાવે છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીઓનો ખૂબ ધસારો હોવાથી સ્ટેમસેલ બિલ્ડીંગમાં રેડિયોલોજી વિભાગ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ, અને ગ્રાઉન્ડફ્લોર પર ૫૦૦ એમએમ એક્સ-રે મશીન અને ડિજીટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ.
તેમજ દાખલ કોરોના દર્દીઓના બેડ પર જ જઈને બેડસાઈડ સોનોગ્રાફી અને એક્સ-રે ચેસ્ટ માટે પોર્ટેબલ સોનોગ્રાફી અને એક્સ-રે મશીન રાજ્ય સરકારના સહયોગથી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવ્યાં. જેના સંચાલન માટે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક રેડિયોલોજીસ્ટ, ટેકનિશ્યન, સર્વન્ટની ટીમો કાર્યરત કરાઈ. જેમણે જીવના જાેખમે, સંક્રમિત થવાની પરવા કર્યા વિના એક્સ-રે અને અન્ય રિપોર્ટ આપવાંની કામગીરી કરી છે.