Western Times News

Gujarati News

માત્ર 1800 રૂ. જેવી નજીવી રકમ માટે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત

share broker suicide

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ઓઢવ વિસ્તારના હરિઓમ પાર્ક સોસાયટીમાં એક ૨૯ વર્ષીય યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મરનાર યુવકે રૂ.૧૮૦૦ની ઉછીની લીધેલી રકમના મુદ્દે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી

એ જ રીતે અગાઉ કરેલા પોલીસ કેસને પાછો ખેંચવા પણ અન્ય કેટલાક શખ્સો દ્વારા દબાણ કરવામાં આવતું હોવાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઓઢવ પોલીસે મૃતકના પિતાએ પાંચ મહિના બાદ કરેલી ફરિયાદના આધારે દિનેશ રબારી અને અમરત રબારી સામે દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ઓઢવની હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા લખાભાઇ ઠાકોર મજૂરીકામ કરીને પરિવાનું ગુજરાન ચલાવે છે. તેમનો ૨૯ વર્ષીય પુત્ર રવિ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. ગત ૧૭ ફેબ્રુઆરીએ રવિ રિક્ષા લઇને માતા ઇન્દુબેન અને બહેન અંજુબેનને નોકરી પર મુકવા ગયો હતો. ત્યાંથી વર્ધી માટે નીકળ્યો હતો. આ તરફ લખાભાઇને કડિયા કામ ન મળતાં તેઓ ઘરે પરત ફર્યા હતા

ત્યારે ઘર પાસે રવિની રીક્ષા પડી હતી અને ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આથી લખાભાઇએ દરવાજા ખખડાવ્યો, પણ નહીં ખુલતાં લાત મારતાં દરવાજો ખુલ્લી ગયો હતો. અંદર પંખા પર ફાંસો લગાવી રવિ લટકતો હતો. લાખાભાઇએ બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને રવિને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યાે હતો.

આ ઘટનાના બે દિવસ પૂર્વે કોઇ અજાણ્યો શખ્સ લાખાભાઇના ઘરે આવ્યો હતો અને રવિ અંગે પુછપરછ કરતો હતો. આથી લાખાભાઇએ તેનું નામ અને શું કામ હતું એમ પુછતાં તેણે દિનેશ રબારી તરીકે ઓળખ આપી હતી અને કહ્યું કે, રવિએ તેની પાસેથી રૂ.૧૮૦૦ની રકમ વ્યાજે લીધી છે એ પરત લેવા આવ્યો છે.

જોકે, રવિ ન હોવાથી તે પરત ગયો હતો. ૧૭મીએ રવિના મોબાઇલ પર દિનેશનો પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યો હતો. પૈસા ક્યાં આપવા આવવાના છે તે જણાવ્યું હતું. આ અગાઉ રવિનો જીગ્નેશ નામનો મિત્ર જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાથી પિતા લાખાભાઇએ તેની સાથે સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું. આથી જીગ્નેશે ઝગડો કર્યાે હતો.

આ ઘટનામાં લાખાભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પાછી ખેંચવા જીગ્નેશ વતીથી અમરત રબારી દ્વારા રવિને વારંવાર દબાણ કરવામાં આવતું હતું. આમ, બે તરફથી ઘેરાયેલા રવિએ ૧૭મી ફેબ્રુઆરીએ અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે લખાભાઇએ બંને શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમા દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.