માધવસિંહને મોદી, શાહ, રાહુલ ગાંધીની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમએ સ્વર્ગસ્ત માધવસિંહ સોલંકીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ એક મહાન નેતા હતા જેમણે ગુજરાતના રાજકારણમાં દાયકાઓ સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી.
માધવસિંહ સોલંકી પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા હતા. તેમનું શનિવારે સવારે ગાંધીનગર નિવાસસ્થાને નિધન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ માધવસિંહ સોલંકીના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
પીએમ મોદીએ વધુમાં લખ્યું હતું કે, માધવસિંહ સોલંકીજી એક મહાન નેતા હતા. તેમના નિધનથી હું દુઃખી છું. તેમના પુત્ર ભરતસિંહ સોલંકીજી સાથે મે વાત કરી તેમને સાંત્વના પાઠવી છે. ઓમ શાંતિ. વડાપ્રધાને અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે, માધવસિંહ સોલંકી એક રાજપુરૂષ હોવાની સાથે એક સારા વાંચક પણ હતા અને તેઓ સંસ્કૃતિ પ્રત્યે ઊંડો રસ ધરાવતા હતા. જ્યારે પણ તેમને મળવાની તક મળી ત્યારે પુસ્તકો વિશે અચુક જણાવતા હતા. તેમની સાથે કરેલા સંવાદો મને હંમેશા યાદ રહેશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ માધવસિંહ સોલંકીના નિધન બદલ ખેદ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરવામાં તેમજ સામાજીક ન્યાયને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાન બદલ તેમને હંમેશા યાદ રખાશે. હું સ્વર્ગસ્થના પરિવાર અને મિત્રોને હ્રદયપૂર્વક સાંત્વના પાઠવું છું.SSS