માધુપુરામાં મહિલા તલાટીએ પતિ -સાસરીયાઓ વિરૂધ્ધ ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવી
પતિ પણ ગાંધીનગરમાં તલાટી તરીકે ફરજ બજાવે છે
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના માધુપુરામાં રહેતા મહીલા રેવન્યુ તલાટીએ પોતાના તલાટી કમ મંત્રી પતિ વિરૂધ્ધ ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવતા ચકચાર મચી છે મહીલા તલાટીએ આક્ષેપ લગાવ્યા છે કે સાસુ સામાન્ય બાબતે મેણા મારતા જયારે સસરા ખરાબ દાનત રાખતા હતા ઉપરાંત બંને પતિને ચઢામણી કરી માર પણ ખવડાવતા હતા વધુમાં મહીલાએ પતિએ વધારાની આવકથી ગાડી વસાવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શીબાની સમા માધવપુરા ખાતે રહે છે અને મામલતદાર કચેરી કલોલ ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે તેમના લગ્ન ગાંધીનગર ખાતે રહેતા અને સરઢવ ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ઈમરાન ખત્રી સાથે થયા હતા લગ્નના બે જ મહીનામાં ઈમરાનભાઈના માતા તેમને સામાન્ય બાબતે મહેણાં મારતા તથા બિભત્સ ગાળો બોલતા અને ઈમરાનભાઈની ચઢવણી કરી અવારનવાર તેમને માર ખવડાવતા હતા જે તેમનું ગળુ દબાવતા શીબાનીબેન જમી પણ શકતા નહોતા ઉપરાંત તેમણે સસરા પણ પોતાની ઉપર ખરાબ દાનત રાખતા હોવાનો આક્ષેપ કરતા પતિને જણાવ્યું હતું જાેકે પતિ ઈમરાનભાઈએ પિતા જે કરે તે સારુ છે તારે રહેવુ હોય તો રહે નહીતર જતી રહે તેમ કહયું હતું.
રોજના ઘટનાક્રમને પગલે શિબાનીબેનના માતા તથા ભાઈ તેમને સમજાવવા આવતા ઈમરાનભાઈ તથા તેમના માતા પિતાએ તેમની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેના પગલે શીબાનીબેને છેવટે માધુપુરામાં પતિ તથા સાસુ સસરા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં પતિએ ઉપરની આવકથી ધર્મની બહેનના નામે ગાડી ખરીદીને પોતાના પગારમાંથી હપ્તા ભરાવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો પોલીસે આ અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.