માનવતા શર્મશારઃ લાંચના માત્ર 30 રૂ. ન હોવાથી નાના બાળકે સ્ટ્રેચર ખેંચવું પડ્યું
દેવરિયાઃ હોસ્પિટલમાં નાની-નાની સુવિધાઓ માટે દર્દીઓ પાસેથી લાંચ લેવામાં આવી રહી છે જેનો ખુલાસો વ્યક્ત કરતા એક વીડિયોમાં છ વર્ષનો એક માસૂમ બાળક સ્ટ્રેચરને ધક્કો મારીને દર્દીને હોસ્પિટલ ખાતે લઇ જતા જોવા મળી રહ્યું છે. સ્ટ્રેચર પર તે માસૂમ બાળકનાં નાના ( મમ્મીનાં પપ્પા ) સૂતા જોવા મળી રહ્યાં છે. નાના બાળક દ્વારા સ્ટ્રેચરને ધક્કો મારીને નાનાને લઇ જતો આ વીડિયો જોઇ તમારું હ્રદય દ્રવી ઉઠશે.
દેવરિયાનાં બરહજ વિસ્તારનાં ગૌરા ગામનાં નિવાસી છેદી યાદવ થોડાં સમય પહેલાં એક મારામારીની ઘટનામાં ઘાયલ થઇ ગયા હતાં. તેઓને દેવરિયા જિલ્લા હોસ્પિટલનાં સર્જીકલ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યાં. છેદી યાદવની પુત્રી બિંદુએ જણાવ્યું કે, “ત્રણ-ચાર દિવસથી તેઓ પોતાનાં પિતાની સાથે જિલ્લા હોસ્પિટલમાં છે. અહીં તેઓને ડ્રેસિંગ માટે વચ્ચે-વચ્ચે ડ્રેસિંગ રૂમમાં લઇ જવાના હોય છે.”
બિંદુ દેવીએ જણાવ્યું કે, “હોસ્પિટલનાં કર્મચારી દર વખતે સ્ટ્રેચર માટે 30 રૂપિયાની માંગ કરે છે. પરિવારની સ્થિતિ વારંવાર આટલાં રૂપિયા આપવાની સ્થિતિ નથી જેથી તેઓએ ઇન્કાર કરી દીધો. આ મામલે હોસ્પિટલ કર્મીઓએ છેદી યાદવને ડ્રેસિંગ માટે લઇ જવા પર ના કહી દીધી. તેઓએ જણાવ્યું કે, “જો 30 રૂપિયા નથી આપવા તો દર્દીને ખુદ જ લઇ જવા પડશે.” ત્યારે બિંદુ દેવી પોતાનાં 6 વર્ષનાં બાળક શિવમ યાદવની મદદથી પિતાને ડ્રેસિંગ રૂમ સુધી લઇ ગઇ. આ દરમ્યાન કોઇએ તેનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.