માનવ જીવનમાં સાહિત્યની પણ આવશ્યક્તા
માનવ જીવનમાં કર્માનુસાર પંચેન્દ્રિયની બક્ષીશ મળતા માનવી વાંચન તથા લખાણની પણ ક્રિયા સરળતાથી કરી શકે છે. જીવન જીવવામાં રોટી, કપડાં તથા મકાનની તો જરૂર પડતી હોય છે પણ માનવ જીવનના વિકાસમાં બુદ્ધિ તથા વિચારો ઘણો મોટો મહત્વનો ભાગ ભજવે છે. માનવી સમાજમાં રહેતો હોવાથી તેને બીજા જાેડે હળીમળીને રહેતા શીખવું પડે છે તથા વ્યવહાર કુશળ પણ થવું પડે છે.
જીવન જીવવા માનવીને ખાવા-પીવા, પહેરવા કે રહેવા કરતાં પણ માનસિક શાંતિની જરૂરત પડતી હોવાથી તેને વાંચન કે લખાણની જરૂરત પડતી હોય છે જેનાથી પોતાની બુદ્ધિમત્તા ખીલતી હોય છે. સાહિત્યમાં કોઇ પણ વિષય- વિદ્યા-કલા હુન્નર વગેરેનાં વિષયો પર લખાયેલ કે છપાયેલ સામગ્રી વાંચતા પોતાનો બુદ્ધિમત્તામાં વધારો થાય છે.
સાહિત્ય એટલે લોકોના વિચાર કે ભાવના કાર્ય તથા જ્ઞાન વગેરની ભાષામાં સંગ્રાયેલી મૂડી ગણાય છે તથા તે કાવ્ય, નાટક, વાર્તા, પ્રવાસ વગેરે લલિત પ્રકારનું રસિક ભાવ અને કલ્પના પ્રધાન વાડ્મય ગણાય છે.
લોકો પોતાના જીવન નિર્વાહ માટે કામ કરીને પૈસા રળતાં હોય છે જેથી કામનો બોજાે અથવા કામ કરવાથી થકાવટ તથા કોઇ કોઇ વખત ચિંતા અને નિત્યક્રમમાં વિવિધતા લાવવા બીજી ક્રિયાની પણ જરૂર પડતી હોય છે.
અમુક લોકો મનોરંજન, રમત-ગમત, નિસર્ગ નિહાળવાનો શોખ તો અમુક લોકોએ વાંચનનો શોખ કેળવેલો હોવાથી સમય પસાર થાય પરંતુ લખાણ કે વાંચનથી પોતાની માનસિક સ્થિતિમાં પ્રગતિ થાય છે.
સાહિત્ય રસિક થવાથી બુઝુર્ગ કે વિધવા અથવા વિધુરને સમય પસાર કરવામાં ઘણી રાહત થઇ જાય છે. સાહિત્ય પ્રેમી બનવાથી એકલવાયું પણ દૂર થઇ જાય છે. પોતાને રસ પડતી કવિતા, લેખો તથા શાસ્ત્રોનું વાંચન કરતાં ઘણું અગત્યનું જાણવા મળે છે તથા બીજા લોકો જાેડે પોતે ચર્ચા વિચારણામાં પણ ભાગ લઇને સફળતા મેળવી શકે છે.
સાહિત્યકાર થવા માટે એકલું વાંચન જ મહત્વનું હોતું નથી પરંતુ અમુક સાહિત્યપાસક પોતાના વિચારો સારી રીતે લેખન કરીને બીજા લોકોને લાભ આપે છે. સાહિત્યપાસના કરવા માટે શાંત વાતાવરણની જરૂર પડે છે જેથી પોતે મનમાં સારી રીતે ઉતારી શકે તથા સરળતાથી લેખન કરીને વાંચક વર્ગને લાભ આપી શકે છે.
આ જમાનામાં ઠેર ઠેર જગ્યાએ પુસ્તકાલય ખૂલ્યા છે જે નિઃશુલ્ક અથવા ન્યૂનતમ ભાવથી મર્યાદિત સમય માટે પુસ્તકો ઘરે વાંચવા લઇ જવા આપતાં હોય છે જેથી પોતાનું જીવન કંટાળાજનક ન બની રહેતા આંનદમયી બની રહે છે તથા આવા શોખને હિસાબે ઘણા લોકો એક બીજાનાં સંપર્કમાં આવવાથી લોકોને લાભ મળતો રહે છે.
કહે શ્રેણુ આજ
સાહિત્યરસિક થઇ જાય ખુશ, મેળવીને રસમયી સાહાત્ય, સાહિત્ય પ્રેમી બની જાય આંનદમયી, વાંચીને ગમતું સાહિત્ય.
મળે જાણવા અવનવું, સાહિત્ય વાંચતા વાંચતા, મળે નવા શબ્દો, સાહિત્ય લખતાં લખતાં.
સાહિત્ય રસિકો માટે અવારનવાર સભાખંડ, રેડીયો, ટી વી., ઇન્ટનેટ પર કાર્યક્રમો ગોઠવાતા હોય છે જે સાહિત્યકાર આગવી શૈલીથી પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાનું જ્ઞાન લોકોને પીરસે છે. ટી. વી. પર સાહિત્ય-સંમેલન તથા હાસ્ય કવિ-સંમેલનનાં કાર્યક્રમો પણ અવારનવાર આવે છે
જેથી પ્રેક્ષકોને જ્ઞાન સાથે મનોરંજન પણ મળતું રહે છે. સાહિત્યમાં વિવિધ વિષયો પર લખાણનો સંગ્રહ હોય છે જે સાંભળવાથી કે વાંચવાથી માનવીને જ્ઞાનનો ખજાનો મળી જાય છે.
‘ખાવાપીવાની ચીજાે શરીરની ભૂખ મટાડે છે તો સાહિત્ય મનની ભૂખ મટાડે છે સાથે સાથે સમજણ પણ આપે છે.’
ઉપદેશકથા, નવલકથા, સાહસિકકથા, ધાર્મિક, કુકિંગ (રસોઈકળા), બાળ સાહિત્ય, જ્યોતિષશાસ્ત્ર, યોગા, રેકી,આધ્યાત્મિક તથા કવિતા-સંગ્રહ વિષયો પર નામાકિંત અને લોકપ્રિય લેખકોનાં પુસ્તકો ઉપરાંત સી. ડી. , વિડીયો દ્વારા જ્ઞાન પીરસાય છે.
લોક સાહિત્ય પણ માનવીનાં ઘડતરમાં મહત્વનો ફાળો આપે છે. બાળપણમાં મેળવેલું જ્ઞાન જીવનભર ટકી રહે છે જે માનવી માટે કિંમતી ખજાનો ઓળખાય છે. પાસે રહેલી માલ-મિલ્કત, ઘર-બાર, કપડાં, દાગીના, ગાડી કે બીજી વિવિધ ભૌતિક ચીજાે છે તે લૂંટાઇ શકે છે પરંતુ મેળવેલું જ્ઞાન કદી કોઇ લૂંટી શકતું નથી પણ લોકોને લાભ આપવા લૂંટાવી શકાય છે. આ કળિયુગ જમાનામાં કલાકારોની હરોળમાં સાહિત્યકારોની પણ લોકો કિંમત આંકતા થઇ ગયાં છે અને લોકો તેઓને ઇજ્જતથી આવકાર આપે છે તથા એક પ્રતિષ્ઠાનું પ્રતીક ગણે છે.
સાહિત્યકાર કે સાહિત્યરસિક બનવું તે રસહીન માનવીનાં અવકાશમાં હોતું નથી પરંતુ સાહિત્યરસિક કે સાહિત્યકાર બનવા માટે પોતાનીઈચ્છા અથવા ધગશ કે રસ હોવો જરૂરી છે તથા ફક્ત સમય પસાર કરવાનું આ સાધન નથી. વાંચન મનમાં ઉતારવા માટે લેખન કાર્યકરવા માટે એકાગ્રતાની પણ જરૂરત પડે છે. સાહિત્ય-શીરોમણીનાં કપાળ પર હમેંશા તેજ પ્રગટતું હોય છે. તેઓની બોલવાની છટા અત્યંત નિરાળી હોય છે.
સાદું અને સરળ જીવન જીવવા માટે સાહિત્ય એક અકસીર રામબાણ ઇલાજ બની રહે છે જે માનસિક સંતુલન જાળવે છે. સાહિત્યનો શોખ માનવ જીવનમાં જ પૂરો થઇ શકે છે. સાદાઇભર્યું જીવન જીવવાની ઘણી જરૂરિયાતમાં સાહિત્ય પણ જાણતા કે અજાણતા મોટો ભાગ ભજવે છે.
સાહિત્યનું વાંચન ભાષાને શણગારે છે જેથી લોકોને તે વાંચવામાં કે સાંભળવામાં ઘણો રસ પડે છે. સાહિત્યનો અભ્યાસ કરવાથી વૈચારિક આદાનપ્રદાન કરવાનું ઘણું સરળ પડે છે. ભાષાના ઉપયોગથી વ્યક્તિના ભાવને પણ જાણી શકાય છે.
‘વાંચનથી વ્યક્તિ પીઢ બને છે તો લખાણથી વ્યક્તિ ચોક્કસ તથા પરિપૂર્ણ બને છે.’