માનવ તસ્કરીથી લોકોને વિદેશ મોકલતા એજન્ટોને ડામી દેવાશે

DGPએ ખાસ અધિકારીની નિમણુંક કરી
(એજન્સી)અમદાવાદ, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ DGP ક્રાઈમના વડાને પાસપોર્ટ અને ગેરકાયદેસર ઈમિગ્રેશન સંબંધિત ગુનાઓને સંભાળવા માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યના પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ભાટિયાએ જણાવ્યું હતું કે,
નોડલ ઓફિસર સમગ્ર રાજ્યમાં આવા તમામ ગુનાઓનો હવાલો સંભાળશે, જેમાં અમદાવાદ શહેર અને મહેસાણા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. અમદાવાદ અને મહેસાણાના અધિકારીઓને વધુ સાવચેત રહેવા અને ગેરકાયદેસર ઇમિગ્રેશન અને બનાવટી પાસપોર્ટમાં સંડોવાયેલા એજન્ટો પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ શહેર અને મહેસાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને માનવ તસ્કરી વિરોધી એકમ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં ડીજીપી દ્વારા અધિકારીઓને ડોગી એજન્ટો દ્વારા અપનાવવામાં આવતી મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સાથે જ ડીજીપી ભાટિયાએ નાગરિકોનું શોષણ કરતા આવા એજન્ટોથી સાવધ રહેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો અને કોઈ લાલચમાં ન ફસાવવા માટે સાવધાન રહેવા જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનામાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે લોકોને મેક્સિકો અથવા કેનેડા દ્વારા ગેરકાયદેસર રીતે યુએસ મોકલવામાં આવ્યા હોય. કેનેડા-યુએસ બોર્ડર પર મહેસાણાના એક પરિવારના તાજેતરના મૃત્યુએ કબૂતરબાજી મામલે જાણે આવા કેસનો પટારો ખોલ્યો હોય તેમ એક પછી એક ઘણા કેસ નોંધાઈ રહ્યા છે.
ઉપરાંત, ગાંધીનગર પોલીસે ગયા અઠવાડિયે દિલ્હીમાં એક મિશન પાર પાડ્યું હતું. જેમાં તેઓએ લગભગ ૧૫ લોકોને બચાવ્યા હતા જેમને ટ્રાવેલ એજન્ટો દ્વારા લગભગ ચાર મહિનાથી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. આ જ રીતે લોકોના એક અન્ય જૂથને કોલકાતામાંથી પણ મુક્ત કરાવવામાં આવ્યું હતું. ગુજરાતના આ લોકોને ટ્રાવેલ એજન્ટોએ ગોંધી રાખ્યા હતા જેઓ પૈસા પડાવવા માટે તેમને ત્રાસ આપતા હતા.