માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોનો વડોદરા જિલ્લા દિવ્યાંગ ખેલ મહાકુંભ 2019 યોજાયો
વડોદરા, ગુજરાત સરકાર દ્વારા આયોજિત માનસિક દિવ્યાંગ ખેલ મહાકુંભ 2019 માં વડોદરા જિલ્લા દિવ્યાંગ ખેલ મહાકુંભ (માનસિક ક્ષતિગ્રસ્ત) નું આયોજન યુનિયન પેવેલીયન, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે તારીખ 11 અને 12 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાની 25 થી પણ વધુ સંસ્થાઓ ના કુલ 650 થી પણ વધુ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.
માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને તેમના માનસિક ક્ષમતા પ્રમાણે મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે હાયર એબીલીટી અને લોવર એબીલીટી. ત્યાર પછી ૮થી૧૫ વર્ષ, ૧૬થી૨૧વર્ષ અને ૨૨ વર્ષથી ઉપર આમ ત્રણ ભાગમાં ઉંમર પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે.
તેમના માટે ૨૫ મીટર દોડ, ૫૦ મીટર દોડ, ૫૦ મીટર વોક,૧૦૦ મીટર વોક, સોફ્ટબોલ થ્રો, બોચી જેવી રમતો લોવર એબિલિટી માટે અને ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ,સોટ પુટ થ્રો, લોંગ જમ્પ, 500 મીટર અને ૧ કિલોમીટર સાયકલિંગ, બેડમિન્ટન,બાસ્કેટબોલ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન હાયર એબિલિટી માટે કરવામાં આવ્યું છે.
વડોદરાના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર (એસ.ઓ) ગજાનંદ કદમ અને વડોદરાના વિકાસ અગ્રવાલ (સ્પોર્ટ ડાયરેક્ટર, સ્પેશિયલ ઓલમ્પિક) ના સહયોગથી વડોદરાના ડી.એસ.ઓ. ની દેખરેખમાં સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરાની વિવિધ કોલેજો અને સ્કૂલના વ્યાયામ શિક્ષકો પંચ તરીકે સેવા બજાવી રહ્યા છે. જ્યાં આ બાળકોને રમાડવામાં અને તેમની કાળજી લેવા માટે એસવીઆઇટી(SVIT) ની એન.એસ.એસ યુનિટ ના સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. આ સ્પર્ધામાં વિજેતા રહેલા ખેલાડીઓ રાજ્યકક્ષાની દિવ્યાંગ ખેલમહાકુંભમાં ભાગ લેશે.