માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ સંસ્થાનું ઉમદા કાર્ય

રક્ષાબંધન પર્વે બાળકો દ્વારા ભાઈઓની કલાઈ ઉપર બંધાતી આકર્ષક રક્ષાઓ તૈયાર કરાઈ
રાખડી ખરીદી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરતા લોકો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ નગર ખાતે આવેલ માનસિક દિવ્યાંગ બાળકોની કલરવ શાળાના બાળકો દ્વારા આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.જેને ખરીદી લોકો બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.
માનસિક દિવ્યાંગ બાળકો માટે છેલ્લા ૩૦ વર્ષ થી અને કોઈપણ સરકારી સહાય વગર કામ કરતી ભરૂચની એક માત્ર સંસ્થા એટલે કલરવ શાળા.
અહીં આ માસૂમ બાળકોને ઉપયોગી અભ્યાસ કરાવવા ઉપરાંત ભવિષ્યમાં આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી નાના ગૃહ ઉદ્યોગ ની પણ તાલીમ આપવામાં આવે છે.જેમાં રક્ષાબંધનમાં રાખડી,દિવાળી માટેના અવનવા દિવડા ઉપરાંત પડીયા,ઓફિસ ફાઈલ વિગેરે બનાવવામાં બાળકોને પાવરધા બનાવવામાં આવી રહ્યા છે.
આવા બાળકો દ્વારા ભાઈ – બહેનના પાવન પ્રેમ ના પર્વ રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ બનાવવામાં આવી છે.બાળકો એ બનાવેલ આ રાખડી નું વેચાણ પણ ખુબ જ વ્યાજબી કિંમતે કરવામાં આવે છે.જેના નાણાં જે તે વિદ્યાર્થી ને આપવામાં આવે છે.
કલરવ ના સ્થાપક ટ્રસ્ટી નીલાબેન મોદી એ બાળકો ની આ પ્રવૃત્તિ વિશે જણાવ્યું હતું કે હાલ કોરોનાના કારણે બાળકો શાળાએ નથી આવી રહ્યા પણ બાળકો તેમની કળા ભૂલી ન જાય તે માટે ચાર પાંચ ના ગૃપ માં બાળકો ને સમગ્ર વર્ષ દરમ્યાન બોલાવી શિક્ષકના માર્ગદર્શન મુજબ રાખડીઓ બનાવી છે.
જેનું વેચાણ હવે કરી અમે બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે બાળકો ની રાખડીનું વેચાણ થતા તેવો માં આત્મવિશ્વાસ નો સંચાર થાય છે જે તેના વિકાસ માટે પ્રાણવાયુ સમાન સાબિત થયા છે.ત્યારે લોકો ને આ બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડવા અનુરોધ છે. માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ આ રાખડીઓ ખરીદી પ્રજાજનો પણતેમને પ્રોત્સાહન પૂરું પાડે તે એક માનવતા ભર્યું કાર્ય છે.