મામાના લગ્ન માણવા કેનેડાથી આવેલા ચાર વર્ષીય ભાણેજનું કાર નીચે ચગદાતાં મોત
ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ ટી.પી.-9 સ્વસ્તિક-42માં ગઈકાલે સોસાયટીના રહીશે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી સોસાયટીના પાર્કિંગમાં રમી રહેલા ચાર વર્ષીય બાળકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મામાના લગ્ન માણવા કેનેડાથી આવેલા ભાણેજનું કરુણ મોત થતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. અકસ્માત અંગે અડાલજ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
કેનેડાના ઓન્ટારિયો ખાતે રહેતા ધ્વનિલ જયેશભાઈ રાવલ રોયલ બેંન્ક ઓફ કેનેડામાં કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની પૂજા અને ચાર વર્ષીય પુત્ર વિવાન હતો. તેઓ કેનેડાની નાગરિકતા અને ભારતનો ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા પણ ધરાવે છે. આગામી 13મી ડિસેમ્બરના રોજ મામાના લગ્ન હોવાથી વિવાન તેની માતા પૂજા સાથે એક માસથી સ્વસ્તિક-42 ખાતે આવ્યો હતો.
ધ્વનિલભાઈ ગઈકાલે સવારે કેનેડાથી લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. લગ્નની ખરીદી કરવાની હોવાથી ધ્વનિલભાઈ તેમની પત્ની પૂજા અને દીકરા સાથે બપોરના સમયે શ્રીજી રોડ જવા માટે નીકળ્યાં હતાં. આ માટે તેમણે ઉબેર ગાડી મગાવી હતી અને સોસાયટીના કમ્પાઉન્ડમાં ગાડીની રાહ જોઈને ઊભાં હતાં.
આ દરમિયાન વિવાન મેઇન ગેટ પાસે અંદરની સાઈડમાં રમી રહ્યો હતો. એ વખતે અત્રેની સોસાયટીમાં બી-602માં રહેતા જયરામ ભવાનભાઈ વામજા પોતાની આઈ-10 કાર લઈને સોસાયટીમાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી ગેટ આગળથી ટર્ન માર્યો હતો અને વિવાનને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ધ્વનિલભાઈ પુત્રને લઈને આશકા હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તબીબોએ સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ થોડીવારમાં વિવાને દમ તોડી દીધો હતો.
આ અકસ્માતમાં વિવાનનું કરુણ મોત થતાં મામાના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બીજી તરફ અડાલજ પોલીસે ધ્વનિલભાઈની ફરિયાદના આધારે જયરામ વામજા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.