મામાનું નામ લઈને મજાક કરતાં નારાજ થયો કૃષ્ણા
મુંબઈ: એક્ટર કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે વાતચીત કરવાના પણ સંબંધ નથી તે વાત સૌ કોઈ જાણે છે. હવે છેલ્લા કેટલાક દિવસથી ટેલિવુડમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, ધ કપિલ શર્મા શોના એપિસોડ દરમિયાન કિકુ શારદાએ (બચ્ચા યાદવ) બંને વચ્ચેના મતભેદ પર મજાક કરતાં કૃષ્ણા અભિષેક નારાજ થયો છે.
ન્યૂ યરની શરુઆતમાં વરુણ ધવન અને સારા અલી ખાન તેમની ફિલ્મ કૂલી નં. ૧ના પ્રમોશન માટે આવ્યા હતા. તે વખતે કૃષ્ણાએ કહ્યું હતું કે, છી છી આવી રીતે વાત ન કરાય. જેના પર કિકુએ કહ્યું હતું કે, ચી ચી (ગોવિંદા) તો તારી સાથે વાત નથી કરતાં.
આ એપિસોડ બાદ ચર્ચા જાગી છે કે, કૃષ્ણાને આ જાેક સામે વાંધો પડ્યો હતો અને ત્યારબાદથી તેણે પોતાના સહયોગી કિકુ શારદા સાથે વાત કરવાની બંધ કરી દીધી છે. કૃષ્ણાએ આ ચર્ચાને નકારી કાઢી હતી. તો કિકુએ કહ્યું કે, તે સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ અને રિહર્સલ કરેલું હતું.
કૃષ્ણા જાણતો હતો કે, મારી પાસે આ લાઈન હતી. તે માત્ર જાેક હતો અને કૃષ્ણા જીવનમાં દરેક બાબતોને ગંભીરતાથી લેતો નથી. આ બધા સિવાય, જે વાત સાથે તે અનુકૂળ નથી તે હું તેની સામે શું કામ રાખું?.
કિકુએ ઉમેર્યું કે, હું અને કૃષ્ણા બંને શોમાં અલગ-અલગ રીતે કામ કરીએ છીએ અને ક્યારેક સાથે પણ. અમે ક્યારેક એકસાથે નાના બાળકનો રોલ કર્યો તો ક્યારેક ધર્મેન્દ્ર પાજી અને સની પાજી બનીને સાથે મજા કરી. તેથી, મને લાગે છે કે કોઈએ કોન્ટ્રોવર્સી ઉભી કરવા માટે આ વાતને એમ જ ચગાવી દીધી હશે.
અમને બંનેને તે લાઈન ફની લાગી હતી અને કૃષ્ણા જાણતો હતો કે તે માત્ર મજાક હતી. દિવસના અંતે લોકોએ એટલું જ યાદ રાખવું જાેઈએ કે, અમને લોકોને હસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
કેટલાક જાેક કામ કરે છે અને કેટલાક નથી કરતાં. આ કેસમાં તે ફની હતો અને અમે બંને હસ્યા હતા. અમને એકબીજાની સાથે કામ કરવાનું સારું ફાવે છે. આટલા સમયથી અમે સાથે કામ કરીએ છીએ તેની ક્રેડિટ રાઈટરને જાય છે. કે જેઓ દરેક એપિસોડમાં કંઈક નવું લઈને આવે છે’.