મારા અને મારા પરિવારનો જીવ જોખમમાંઃ રિયા ચક્રવર્તી
ઈન્સ્ટાગ્રામ પર મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માગી-રિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પિતાને મીડિયાએ ઘેરી લીધા હોવાનું દેખાય છે
મુંબઈ, સુશાંત રાજપૂત આત્મહત્યા કેસમાં જેની સામે તપાસ ચાલી રહી છે તે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પોતાના અને પરિવાર પર જીવનું જોખમ હોવાનું જણાવતા મુંબઈ પોલીસ પાસે સુરક્ષાની માગણી કરી છે. રિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પિતાને મીડિયાએ ઘેરી લીધા હોવાનું દેખાય છે. બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહના મોતના કેસમાં તેના પિતા એજન્સીની તપાસમાં સહકાર આપવા માટે બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે જ આ દ્રશ્યો જોવા મળ્યા હોવાનું રિયાએ જણાવ્યું હતું.
રિયાએ લખ્યું કે, આ વીડિયોમાં જે પુરૂષ છે તે મારા પિતા છે ઈન્દ્રજીત ચક્રવર્તી (નિવૃત આર્મી અધિકારી). અમે ઈડી, સીબીઆઈ અને અન્ય તપાસ એજન્સીઓને તપાસમાં સહકાર આપવા બહાર નીકળી રહ્યા હતા. ‘મારો અને મારા પરિવારના લોકોનો જીવ જોખમમાં છે. આ મામલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને તેમને આ બાબતે જણ પણ કરી પરંતુ કોઈ મદદ મળી નથી. અમે તપાસ એજન્સીઓને પણ અમારી મદદ કરવા જણાવ્યું હતું પરંતુ કોઈ મદદ પહોંચી નથી. મારો પરિવાર આ પ્રકારે કેવી રીતે જીવી શકશે.’ રિયાએ આ પોસ્ટ સાથે હેશટેગ સેફ્ટીફોરમાયફેમિલિનો પણ ઉપયોગ કર્યો હતો.
અમે મુંબઈ પોલીસને અમારી સુરક્ષા માટે અપીલ કરી રહ્યા છીએ.
સુશાંત સિંહના મોતના મામલે સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે. એક સપ્તાહથી સીબીઆઈ આ કેસ સાથે સંકળાયેલા વિવિધ લોકોની તપાસ કરી રહી છે. ગુરુવારે સીબીઆઈએ ગેસ્ટ હાઉસમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને બોલાવી તેની પૂછપરછ કરી હતી. રિયાના પરિવારમાંથી કોઈને પ્રથમ વખત બોલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થી પીઠાનીને પણ સાંતાક્રુઝ સ્થિત ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં સળંગ સાતમાં દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. SSS