Western Times News

Gujarati News

મારા જીવનની દરેક ક્ષણ દર્દીઓને સમર્પિત: સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ(OSD) શ્રી કે.કે.બ્રહ્મભટ્ટ

સિવિલ એ હોસ્પિટલ નહિ મારો પરિવાર છેઃ સેનેટરી સુપ્રિડેન્ટશ્રી કે.કે.બ્રહ્મભટ્ટ

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી હોય. જ્યાં મારા જીવનનો મોટો સમયગાળો પસાર કર્યો તેવી સિવિલ હોસ્પિટલને મારી જરૂર હોય ને હું ઘેર બેસી રહું તે મને ક્યારેય ન ગમે…..

સિવિલના સુપ્રીટેન્ડેન્ટ  ડૉ. જે. પી. મોદીએ છેલ્લા બે વર્ષથી નડિયાદમાં નિવૃત જીવન પસાર કરી રહેલા સિવિલના સેનેટરી ઈન્સપેક્ટર બ્રહ્મભટ્ટ સાહેબને ફોન કર્યો “બ્રહ્મભટ્ટ સાહેબ કોરોનાથી સ્થિતિ કપરી બની રહી છે તમારે સિવિલ સેવામાં આવુ પડશે” તેમ મોદી સાહેબે કહ્યું. ક્ષણ માત્ર પણ વિચાર કર્યા વગર બ્રહ્મભટ્ટ સાહેબે કીધું હું કાલથી સિવિલ હોસ્પિટલ સેવામાં હાજર  થઉ છું….

સિવિલએ હોસ્પિટલ નહિ પરંતુ મારો પરિવાર છે આ શબ્દો છે ૬૪ વર્ષના નિવૃત સેનેટરી ઈન્સપેક્ટર શ્રી કે.કે.બ્રહ્મભટ્ટના. આજે બ્રહ્મભટ્ટ સાહેબનો જન્મદિવસ છે. તેઓએ આજે ૬૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. સિવિલ હોસ્પિટલમાં તેઓએ ૨૮-૦૪-૧૯૮૦ થી ૩૦-૦૬-૨૦૧૪ સુધી સેનેટરી ઈન્સપેક્ટર તરીકે સેવા આપી હતી. તેમની કાર્યદક્ષતા અને કર્મનિષ્ઠાના પરિણામે હોસ્પિટલ દ્વારા તેઓને વર્ષ ૨૦૧૮ સુધી સતત એક્સટેન્શન આપ્યું.

હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દી અને તેમના સગા-સબંધીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે કૌશ્લ્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિની જરૂર જણાતાં સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટશ્રી જે.પી.મોદી સાહેબ દ્વારા ફોન કરીને બ્રહ્મભટ્ટ સાહેબની સેવાનો લાભ લેવા માટે બોલાવવામાં આવ્યા

હતા. તેઓ છેલ્લા દોઢ મહિનાથી પોતાના પરિવારથી દુર રહીને સતત ૧૫ કલાક સુધી કામ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે બ્રહ્મભટ્ટ સાહેબ દર્દીઓનાં સગા-સબંધીની વ્યવસ્થા, નર્સિગ સ્ટાફને મોટીવેશન માટે વિવિધ પ્રવૃત્તિઓ, સ્ટાફની વ્યવસ્થા, સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરે છે. આમ, બ્રહ્મભટ્ટ સાહેબ દર્દી અને સગા-સબંધી વચ્ચે સેતુરૂપ કામગીરી કરી રહ્યા છે.

બ્રહ્મભટ્ટ કર્મશીલ કર્મચારીની સાથે દયાળુ પ્રકૃત્તિ ધરાવતાં વ્યક્તિ છે. બ્રહ્મભટ્ટ સાહેબએ સ્વખર્ચે તેમના જન્મદિવસ નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલમાં ૯૦૦ થી વધારે કોરોના વોરિયર્સ માટે કેરીના રસની વ્યવસ્થા કરી છે. બ્રહ્મભટ્ટજી કહે છે કે, મારા જીવવની પ્રત્યેક ક્ષણ સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દી માટે સમર્પિત છે. હું ભગવાનને દરરોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ મને છેલ્લા શ્ર્વાસ સુધી દર્દીની સેવા કરવાની તક આપજો.

૬૫ વયની વ્યક્તિઓ અત્યારે ઘરની બહાર નીકળતાં પહેલાં બે વાર વિચાર કરે પરંતુ કોરોના સામેની આ લડાઈમાં તેઓ ફ્રન્ટલાઈનના વોરિયર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ૬૫ વર્ષની વયે પણ તેઓ નવયુવાનને શરમાવે તે પ્રકારે કામગીરી કરી રહ્યા છે…આવા કોરના વોરિયરને વંદનની સાથે લાખ લાખ અભિનંદન….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.