મારા નાનાભાઈ રાકેશ ટિકૈતના આંસુ નકામા નહીં જાય, સરકાર ગોળી મારે તો પણ આંદોલન ચાલુ રહેશેઃ નરેશ ટિકૈત
નવી દિલ્હી, ખેડૂત નેતા રાકેશ ટીકૈતના મોટાભાઇ નરેશ ટીકૈતે કહ્યું હતું કે મારા નાનાભાઇના આંસુ વ્યર્થ નહીં જાય. અમે ખેડૂત આંદોલનને સફળ કરીને જંપશું. ગુરૂવારે રાત્રે દિલ્હી પોલીસ અને રેપીડ એક્શન ફોર્સે દિલ્હીના તમામ સીમાડા ઘેરી લીધા અને ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે ખેડૂતોને સડકો ખાલી કરવાનો આદેશ આપ્યો ત્યારે આવેશમાં આવી ગયેલા રાકેશ ટીકૈત રડી પડ્યા હતા અને કહ્યું હતું કે ભલે પોલીસ મારા પર ગોળી ચલાવે, અમે અહીંથી ખસવાના નથી. અમારું આંદોલન ચાલુ છે અને રહેશે.
ત્યારબાદ મોડી રાત્રે ફરી ખેડૂતો દિલ્હીના સીમાડે ભેગાં થઇ રહ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા. રાકેશ ટીકૈતના મોટાભાઇ નરેશ ટીકૈતે એવો હુંકાર કર્યો હતો કે મારા નાનાભાઇના આંસુ નકામાં નહીં જાય. અમે ખેડૂત આંદોલનને સફળ કરીને જ જંપશું.
નરેશે મોડી રાત્રે ટ્વીટર પર લખ્યું હતું કે હરિયાણાના ગામે ગામથી ખેડૂતો ફરી દિલ્હી તરફ રવાના થઇ રહ્યા છે. અમે શુક્રવારે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવીશું અને હવે પછીનો કાર્યક્રમ રજૂ કરીશું. તેમણે એવો હુંકાર કર્યો હતો કે હવે તો ત્રણે કૃષિ કાયદા રદ કરાવીને જ ઘરે પાછા ફરીશું. મારી દરેક ખેડૂતને હાકલ છે કે દિલ્હી ભણી કૂચ કરો.
ગુરૂવારે વહીવટી તંત્રે પગલાં લેવા માંડતા ફરી એકવાર રાષ્ટ્રીય લોક દળના નેતા અજિત સિંઘે પડકાર કર્યો હતો કે રાકેશ ટીકૈત તમે ચિંતા નહીં કરો. અમે સૌ તમારી સાથે છીએ. અજિત સિંઘના પુત્ર જયંત સિંઘે કહ્યું કે મારા પિતાએ રાકેશ ટીકૈત સાથે વાત કરી હતી. આ તો ખેડૂતોના જીવન મરણનો સવાલ છે. અમે સાથે છીએ અને સાથે રહેવાના છીએ. ખેડૂત આંદોલન હજુ ચાલુ છે અને ત્રણ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
દરમિયાન, ગુરૂવારે મોડી રાત્રે ફરી ગાઝીપુર સરહદે ખેડૂતો જમા થવા લાગ્યા હતા. મેરઠ, બડૌત, બાગપત અને મુરાદનગરથી ખેડૂતો ફરી દિલ્હી જવા રવાના થયા હતા. આમ શુક્રવાર સવાર સુધીમાં હજારો ખેડૂતો ફરી દિલ્હી સરહદે પહોંચી જશે એવા અણસાર મળ્યા હતા.