Western Times News

Gujarati News

મારા પતિના મેન્ટલ ટોર્ચરથી આત્મહત્યા કરું છું

Files Photo

અમદાવાદ: લગ્ન કર્યા બાદ પતિને ચારેક લાખ રૂપિયા દહેજ આપવા છતાંય વધુ રૂપિયાની માગણી કરી પત્નીને ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. યુવતીની સ્યુસાઈડ નોટ આધારે રામોલ પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, યુવતી વિચરતી જાતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અને લગ્ન બાદ પતિ તેની પત્નીને ક્યાંય ફરવા પણ ન લઈ જતો અને કોઈ પ્રસંગમાં પણ લઈ જતો ન હતો. પતિના સતત ટોર્ચરિંગના કારણે યુવતીએ આપઘાત કરતા આ મામલે ગુનો નોંધાયો છે.

વડોદરામાં રહેતા આનંદ વસાવાએ રામોલ પોલીસસ્ટેશનમાં પોતાના બનેવી સામે ફરિયાદ નોંધાવી છે. તેમના મોટાબહેન અમૃતાબહેનના લગ્ન વર્ષ ૨૦૧૩માં ચિરાગ પંડયા નામના વ્યક્તિ સાથે થયા હતા. ચિરાગ પંડયા હાલ જિલ્લા પંચાયતમાં ડેટા એન્ટ્રીનું કોન્ટ્રાકટ પર કામ કરે છે. અમૃતબહેનના લગ્ન બાદ ચિરાગ ધોળકા ખાતે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાથી તે અપડાઉન કરતો હતો.

બાદમાં અમદાવાદ નોકરી લાગતા તે ઓઢવ ખાતે મકાન રાખી રહેવા લાગ્યો હતો. લગ્ન બાદ દોઢેક વર્ષથી તે અમૃતા ને ફરવા ન લઈ જતો હતો આટલુ જ નહીં પણ અમૃતા વિચરતી જાતિનું હોવાનું કહી કોઈ પ્રસંગમાં પણ લઈ જતો ન હતો. કોઈપણ બોલાચાલી થાય કે ક્યાંય જવાનું હોય તો ચિરાગ અમૃતાને પિયરમાં મૂકી જતો હતો.

અનેક વખત પિયરમાંથી કઈ લાવી નથી તેમ કહી ચિરાગ અમૃતાબહેનને માર પણ મારતો હતો. અનેક વખત અમૃતા બહેને પિયરમાં ફરિયાદ કરી હતી. એક વાર તો અમૃતા બહેનના પિતાએ ચાર લાખ પણ આપ્યા હતા. તેમ છતાંય છૂટાછેડા લેવાનું કહી ચિરાગ ત્રાસ આપતા અમૃતા બહેને કંટાળી ને આપઘાત કર્યો હતો.

પોલીસે તપાસ કરી તો અમૃતાબહેન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ‘મારા પતિના મેન્ટલી ટોર્ચરથી આત્મહત્યા કરું છું’ તેવું લખાણ લખ્યું હતું. બાદમાં રામોલ પોલીસે આ મામલે અમૃતાબહેન ના ભાઈ આનંદ વસાવાની ચિરાગ સામે ફરિયાદ લઈ દુષપ્રેરણાનો ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.