મારા પરિવારમાં એક માસ ચાલે તેટલો અનાજનો જથ્થો મળ્યો છે : શારદાબેન
કોરોના સંદર્ભે લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારે ગરીબોની ચિંતા કરી સારું કામ કર્યું છે…
વડોદરા, (બુધવાર) કોરોના સંદર્ભે ઊભી થયેલી પરિસ્થિતિને પગલે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી અંત્યોદય, અગ્રતા ધરાવતા અને બીપીએલ કાર્ડ ધારકોને કુટુંબોને ચાલુ માસનું ખાધાન્ન વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લાની ૮૦૩ જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી આજથી પાત્રતા ધરાવતા ધારકોને અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં આજવા રોડ ઉપર રહેતા શારદાબેને રાજ્ય સરકારના ગરીબલક્ષી નિર્ણય આવકારતાં જણાવ્યું કે કે મારા કુટુંબમાં ચાર વ્યક્તિઓને એક માસ ચાલે તેટલો ઘઉં, ચોખા, ચણા દાળનો જથ્થો આજે સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે મળ્યો છે. હાલની પરિસ્થિતિ હળવી થતાં આગામી માસે પણ અમોને અનાજ મળશે. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે લોકડાઉનની સ્થિતિમાં ઘરેથી બહાર નીકળવાની મનાઈ છે ત્યારે સરકારે ગરીબોની ચિંતા કરી જ છે જે ખરેખર આવકાર્ય છે.
સસ્તા અનાજની દુકાને અનાજનો જથ્થો લેવા આવેલા દિનાભાઇ ઠાકોરે જણાવ્યું કે સરકારે ગરીબો માટે ખૂબ જ સારું કામ કર્યું છે. લોકડાઉનની સ્થિતિમાં હવે અમોને અનાજ ક્યાંથી લાવવું તેની તકલીફ પડશે નહીં.