મારી પુત્રીને ન્યાય મળ્યો : નિર્ભયાની માતા
નવીદિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતો સામે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી ન્યાયની રાહ જાઈ રહેલા નિર્ભયાના પરિવારને સંતોષની લાગણી થઇ છે. નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું છે કે, તેમની પુત્રીને હવે ન્યાય મળ્યો છે. આ ચારેય દોષિતોને ફાંસીની સજા મળવાથી દેશની મહિલાઓને તાકાત મળશે. લોકોમાં ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે. નિર્ભયાની માતાએ માંગ કરી છે કે, દોષિતોને ફાંસી આપવાથી અપરાધીઓમાં ભય ફેલાશે. તેમણે એમ પણ કહ્યું છે કે, જે લોકો નિર્ભયાની સાથે ઉભેલા છે તે લોકોને આજે ચોક્કસપણે રાહત થઇ હતી.
૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે ૭ વાગે તિહાર જેલમાં તમામને ફાંસી અપાશે. આ સમગ્ર મામલાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે Âટ્વટ કરીને કહ્યું છે કે, સત્યની આખરે જીત થઇ છે. તેઓ આ ચુકાદાનું સ્વાગત કરે છે. દેશની તમામ નિર્ભયાની જીત થઇ છે. નિર્ભયાના માતા-પિતાને પણ તેઓ આભાર માનવા માંગે છે કારણ કે તેમના તરફથી આટલી લાંબી લડાઈ લડવામાં આવી હતી.