Western Times News

Gujarati News

મારી પ્રથમ સેલરી ૫૦૦ રૂપિયા હતી : વિદ્યા બાલન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલનની આગામી ફિલ્મ શેરની ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી

મુંબઈ: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ વિદ્યા બાલનની આગામી ફિલ્મ શેરની ઓટીટી પ્લેટફોર્મ પર તારીખ ૧૮ જૂને રિલીઝ થઈ છે. પણ, શું તમે જાણો છો કે વિદ્યા બાલનની પ્રથમ સેલરી કેટલી હતી? કારણકે હવે વિદ્યા બાલને પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઝૂમ ડિજિટલ સાથે વાત કરતા વિદ્યા બાલને આ વાતનો ખુલાસો કર્યો છે. વિદ્યા બાલને જણાવ્યું કે, મારી પ્રથમ સેલરી ૫૦૦ રૂપિયા હતી. જે એક સ્ટેટ ટૂરિઝમ કેમ્પેઈનથી મળી હતી. વિદ્યા બાલનની સાથે આ કેમ્પેઈન માટે તેના ભાઈ-બહેનોને પણ આટલી સેલરી આપવામાં આવી હતી.

વિદ્યા બાલને જણાવ્યું કે, મારી બહેન સહિત અમે કુલ ૪ લોકો હતા. અમને ચારેયને ૫૦૦-૫૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સ્ટેટ ટૂરિઝમના કેમ્પેઈનના શૂટિંગને યાદ કરતા તેણે જણાવ્યું કે અમને એક ઝાડ સાથે પોઝ આપતા ઊભા રહેવા જણાવાયું હતું. ત્યાં ઝાડની સાથે એક હિંચકો પણ હતો. આ દરમિયાન વિદ્યા બાલને તેના પ્રથમ ઑડિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે ટીવી શૉ માટે લગભગ ૧૫૦ લોકોએ ઑડિશન આપ્યું હતું. હું મારી માતા અને બહેનની સાથે ઑડિશન આપવા ફિલ્મ સિટી ગઈ હતી.

ત્યાં લગભગ ૧૫૦ લોકો હતા કે જેમનું ઑડિશન થયું હતું. આખરે જ્યારે મેં એવું વિચાર્યું કે હું આ નહીં કરું ત્યારે મને ત્યાંથી કૉલ આવ્યો હતો. અહીં નોંધનીય છે કે વિદ્યા બાલને કોમેડી શૉ ‘હમ પાંચ’થી ટીવી પર ડેબ્યુ કર્યું હતું. આ શૉ વર્ષ ૧૯૯૫થી ૨૦૦૬ સુધી ટેલિકાસ્ટ થયો હતો. આ શૉના કુલ ૩૪૫ એપિસોડ પ્રસારિત થયા હતા. વિદ્યા બાલનની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં ‘પરિણીતા’, ‘ભૂલભૂલૈયા’, ‘પા’, ‘ઈશ્કિયા’, ‘ધ ડર્ટી પિચ્ચર’, ‘કહાની’, ‘બોબી જાસૂસ’, ‘બેગમજાન’, ‘તુમ્હારી સુલુ’ અને ‘શકુંતલા દેવી’ વગેરે છે. હવે વિદ્યા બાલનના ફેન તેની આગામી ફિલ્મ ‘શેરની’ની રાહ જાેઈ રહ્યા છે. જેમાં તે ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.